Moksha Shastra (Gujarati). Sutra: 22-23 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 209 of 655
PDF/HTML Page 264 of 710

 

અ. ૨. સૂત્ર ૨૨-૩૩ ] [ ૨૦૯

(૩) શ્રુતજ્ઞાન જે વિષયને જાણે છે તેમાં મન સ્વતંત્ર નિમિત્ત છે, કોઈ ઇન્દ્રિયને આધીન મન નથી એટલે કે શ્રુતજ્ઞાનમાં કોઈ પણ ઇન્દ્રિયનું નિમિત્ત નથી. ।। ૨૧।।

ઇન્દ્રિયોના સ્વામી
वनस्पत्यन्तानामेकम्।। २२।।
અર્થઃ– [वनस्पति अन्तानाम्] વનસ્પતિકાય જેના અંતમાં છે એવા જીવોને

અર્થાત્ પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જીવોને [एकम्] એક સ્પર્શનઇન્દ્રિય જ હોય છે.

ટીકા

આ સૂત્રમાં કહેલા જીવો એક સ્પર્શન ઇન્દ્રિયદ્વારા જ જ્ઞાન કરે છે. આ સૂત્રમાં ‘ઇન્દ્રિયોના સ્વામી’ એવું મથાળું બાંધ્યું છે, તેમાં ઇન્દ્રિયના બે પ્રકાર છે-જડ ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય. જડઇન્દ્રિયની સાથે જીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા માટે વ્યવહારથી સ્વામી કહેલ છે, ખરેખર તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું સ્વામી છે જ નહિ. અને ભાવેન્દ્રિય તે આત્માનો તે વખતનો પર્યાય છે એટલે અશુદ્ધનયે તેનો સ્વામી આત્મા છે. ।। ૨૨।।

कृमिपिपीलिकाभ्रमरमनुष्यादिनामेकैकवृद्धानि।। २३।।
અર્થઃ– [कृमि पिपीलिका भ्रमर मनुष्यादिनाम्] કરમિયાં વગેરે, કીડી વગેરે,

ભમરો વગેરે તથા મનુષ્ય વગેરેને [एकैक वृद्धानि] ક્રમથી એકેક ઈન્દ્રિય વધતી વધતી છે અર્થાત્ કરમિયાં વગેરેને બે, કીડી વગેરેને ત્રણ, ભમરા વગેરેને ચાર અને મનુષ્ય વગેરેને પાંચ ઇન્દ્રિય છે.

ટીકા

પ્રશ્નઃ– કોઈ મનુષ્ય જન્મથી જ આંધળો અને કાને બહેરો હોય છે તો એવા જીવને ત્રણ ઇન્દ્રિય જીવ કહેવો કે પંચેન્દ્રિય જીવ કહેવો?

ઉત્તરઃ– તે પંચેન્દ્રિય જીવ તેને પાંચે ઇન્દ્રિયો છે, પણ ઉપયોગરૂપ શક્તિ નથી તેથી તે દેખતો અને સાંભળતો નથી.

નોંધઃ– આ પ્રમાણે સંસારી જીવોના ઇન્દ્રિય દ્વારનું વર્ણન કર્યું. હવે તેના મનદ્વારનું

વર્ણન ર૪ માં સૂત્રમાં કહે છે. ।। ૨૩।।