Moksha Shastra (Gujarati). Sutra: 24-25 (Chapter 2).

< Previous Page   Next Page >


Page 210 of 655
PDF/HTML Page 265 of 710

 

૨૧૦ ] [ મોક્ષશાસ્ત્ર

સંજ્ઞી કોને કહે છે?
संज्ञिनः समनस्काः।। २४।।
અર્થઃ– [समनस्काः] મનસહિત જીવોને [संज्ञिनः] સંજ્ઞી કહેવાય છે.
ટીકા

સંજ્ઞી જીવો પંચેન્દ્રિય જ હોય છે. (જુઓ, અધ્યાય-ર, સૂત્ર ૧૧ તથા ૨૧ ની ટીકા). જીવના હિતાહિતની પ્રવૃત્તિ મન દ્વારા થાય છે. પંચેન્દ્રિય જીવમાં સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે પ્રકાર છે. સંજ્ઞી એટલે સંજ્ઞાવાળા પ્રાણી સમજવા. ‘સંજ્ઞા’ના ઘણા અર્થો થાય છે તેમાંથી અહીં ‘મન’ એવો અર્થ લેવો. ।। ૨૪।।

મન દ્વારા હિતાહિતની પ્રવૃત્તિ થાય છે પણ શરીર છૂટતાં
વિગ્રહગતિમાં મન વિના નવા શરીરની પ્રાપ્તિ માટે જીવ ગમન
કરે છે ત્યારે કર્મનો આસ્રવ થાય છે તેનું કારણ શું?
विग्रहगतौ कर्मयोगः।। २५।।
અર્થઃ– [विग्रहगतौ] વિગ્રહગતિમાં અર્થાત્ નવીન શરીર માટે ગમન કરવામાં

[कर्मयोगः] કાર્મણ કાયયોગ હોય છે.

ટીકા

(૧) વિગ્રહગતિ– એક શરીરને છોડીને બીજા શરીરની પ્રાપ્તિ માટે ગમન કરવું તે વિગ્રહગતિ છે. અહીં વિગ્રહનો અર્થ શરીર છે.

કર્મયોગ– કર્મોના સમૂહને કાર્મણશરીર કહે છે; આત્માના પ્રદેશોના પરિસ્પંદનને યોગ કહે છે. આ પરિસ્પંદન વખતે કાર્મણશરીર નિમિત્તરૂપ છે તેથી તેને કર્મયોગ કહે છે, અને તે કારણે નવાં કર્મોનો તે વખતે આસ્રવ થાય છે. (જુઓ, સૂત્ર-૪૪ ની ટીકા).

(૨) મરણ થતાં નવીન શરીર ગ્રહણ કરવા માટે જીવ ગમન કરે છે ત્યારે રસ્તામાં એક, બે, ત્રણ કે ચાર સમય લાગે છે, તે સમયમાં કાર્મણયોગના કારણે પુદ્ગલકર્મનું તથા તૈજસવર્ગણાનું ગ્રહણ થાય છે પણ નોકર્મપુદ્ગલોનું ગ્રહણ થતું નથી. ।। ૨પ।।