૨૨૮ ] [ મોક્ષશાસ્ત્ર
પછી જન્મના ભેદ, યોનિના ભેદ તથા ગર્ભજ, દેવ, નારકી અને સમ્મૂર્ચ્છન જીવો કેમ ઊપજે તેનો નિર્ણય કહ્યો [સૂત્ર ૩પ]; પાંચ શરીરના નામ કહી તેની સ્થૂળતા અને સૂક્ષ્મતાનું સ્વરૂપ કહ્યું અને તે કેમ ઊપજે તેનું નિરૂપણ કર્યું [સૂત્ર ૪૯]; પછી ક્યા જીવને ક્યા વેદ હોય છે તે કહ્યું [સૂત્ર પ૨]; પછી ઉદય-મરણ અને ઉદીરણા-મરણનો નિયમ બતાવ્યો [સૂત્ર પ૩].
જ્યાં સુધી જીવની અવસ્થા વિકારી હોય છે ત્યાં સુધી આવા પરવસ્તુના સંયોગો હોય છે; અહીં તેનું જ્ઞાન કરાવ્યું છે, અને સમ્યગ્દર્શન પામી, વીતરાગતા પ્રાપ્ત કરી સંસારી જીવ મટીને મુક્ત જીવ થવા માટે જણાવ્યું છે.
જીવ અને તેના અનંતગુણો ત્રણેકાળ અખંડ અભેદ છે તેથી તે પારિણામિકભાવે છે. દરેક દ્રવ્યના દરેક ગુણોનું ક્ષણે ક્ષણે પરિણમન થાય છે; જીવ પણ દ્રવ્ય હોવાથી અને તેમાં દ્રવ્યત્વ નામનો ગુણ હોવાથી સમયે સમયે તેના અનંત ગુણોનું પરિણમન થાય છે; તે પરિણમનને પર્યાય કહેવામાં આવે છે. તેમાં જે પર્યાયો અનાદિથી જ શુદ્ધ છે તે પણ પારિણામિકભાવે છે.
જીવની અનાદિથી સંસારી અવસ્થા છે એમ આ અધ્યાયના ૧૦ મા સૂત્રમાં કહ્યું છે, કેમકે પોતાની અવસ્થામાં અનાદિથી ક્ષણે ક્ષણે નવો વિકાર જીવ કરતો આવે છે; પરંતુ એ ખ્યાલમાં રાખવું કે તેના બધા ગુણોના પર્યાયોમાં વિકાર નથી પણ અનંત ગુણોમાંથી ઘણા અલ્પ ગુણોની અવસ્થામાં વિકાર થાય છે. જેટલા ગુણોની અવસ્થામાં વિકાર થતો નથી તેટલા પર્યાયો શુદ્ધ છે.
હવે જે વિકારી પર્યાયો થાય છે તેનું સ્વરૂપ વિચારીએ. દરેક દ્રવ્ય સત્ હોવાથી તેના પર્યાયમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યને પર્યાય અવલંબે છે. તે ત્રણ અંશોમાંથી જે ધ્રૌવ્ય અંશ છે તે અંશ સદ્રશ રહેતો હોવાથી તે અંશ પણ પારિણામિકભાવે છે. તે અંશ અનાદિ અનંત એકપ્રવાહપણે છે. તે એકપ્રવાહપણે રહેતો ધ્રૌવ્ય પર્યાય પણ પારિણામિકભાવે છે.
આ ઉપરથી નીચે પ્રમાણે પારિણામિકભાવપણું સિદ્ધ થયું- ૧. દ્રવ્યનું ત્રિકાળીપણું તથા અનંત ગુણો અને તેના પર્યાયનો એકપ્રવાહરૂપે રહેતો અનાદિ અનંત ધ્રૌવ્ય અંશ-એ ત્રણે અભેદપણે પારિણામિકભાવે છે અને તેને પરમ પારિણામિકભાવ અથવા દ્રવ્યદ્રષ્ટિએ પારિણામિકભાવ કહેવામાં આવે છે.