ભૂમિકા
આ શાસ્ત્રના પહેલા અધ્યાયના પહેલા સૂત્રમાં ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ છે’ એમ કહીને બીજો કોઈ મોક્ષમાર્ગ નથી એમ જણાવ્યું; તેથી એમાં એમ પણ જણાવ્યું કે પુણ્યથી-શુભભાવથી કે પરવસ્તુ અનુકૂળ હોય તો ધર્મ થઈ શકે એમ માનવું તે ભૂલ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના શુદ્ધ પર્યાય છે. તેને એક શબ્દમાં કહીએ તો ‘સત્ય પુરુષાર્થ’ તે મોક્ષમાર્ગ છે. આથી સિદ્ધ થયું કે આત્માની પોતાની શુદ્ધ પરિણતિ તે જ ધર્મ છે; આમ જણાવીને અનેકાંતસ્વરૂપ બતાવ્યું. તે સૂત્રમાં પહેલો શબ્દ ‘સમ્યગ્દર્શન’ કહ્યો છે તે એમ સૂચવે છે કે ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. તે અધ્યાયમાં સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વાર્થશ્રદ્ધાન કહ્યું. ત્યાર પછી ‘તત્ત્વાર્થ’નું સ્વરૂપ સમજાવ્યું અને સમ્યગ્જ્ઞાનના અનેક પ્રકાર કહ્યા તથા મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ પણ સમજાવ્યું. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે એક જ મોક્ષમાર્ગ છે એમ પહેલા સૂત્રમાં સ્પષ્ટપણે જણાવીને જાહેર કર્યું કે-કોઈ વખતે ઉપાદાનની પરિણતિની મુખ્યતાથી કાર્ય થાય અને કોઈવખતે સંયોગરૂપ બાહ્ય અનુકૂળ નિમિત્તની (કે જેને ઉપચારકારણ કહેવામાં આવે છે તેની) મુખ્યતાથી કાર્ય થાય-એવું અનેકાંતનું સ્વરૂપ નથી.
બીજા અધ્યાયથી જીવતત્ત્વનો અધિકાર શરૂ કર્યો; તેમાં જીવના સ્વતત્ત્વરૂપ - નિજતત્ત્વરૂપ પાંચ પાંચ ભાવો જણાવ્યા; તે પાંચ ભાવોમાંથી સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પરમભાવ (- જ્ઞાયકભાવ) ના આશ્રયે ધર્મ થાય છે એમ જણાવવા માટે, ઔપશમિક ભાવ-કે જે ધર્મની શરૂઆત છે તેને પહેલા ભાવ તરીકે વર્ણવ્યો. ત્યાર પછી જીવનું લક્ષણ ઉપયોગ છે એમ જણાવીને તેના ભેદો બતાવ્યા, અને પાંચ ભાવોની સાથે પરદ્રવ્યો ઇન્દ્રિય વગેરે-નો કેવો સંબંધ હોય છે તે જણાવ્યું.
જીવનો ઔદયિકભાવ તે જ સંસાર છે. અજ્ઞાનદશામાં ઔદયિકભાવ હોય ત્યારે જીવને શુભ અને અશુભ ભાવો હોય છે. શુભભાવનું ફળ દેવપણું છે, અશુભ ભાવની તીવ્રતાનું ફળ નારકીપણું છે, શુભાશુભભાવના મિશ્રપણાનું ફળ મનુષ્યપણું છે અને માયાનું ફળ તિર્યંચપણું છે. જીવ અનાદિથી અજ્ઞાની છે તેથી અશુદ્ધભાવોના કારણે