સર્વ સમ્યગ્દ્રષ્ટિઓને એવું જ શ્રદ્ધાન હોય છે, પરંતુ તેનો અર્થ એમ નથી કે તેઓ વ્યવહાર ધર્મને મિથ્યાત્વ સમજે છે; અને એમ પણ નથી કે તેઓ તેને સાચો મોક્ષમાર્ગ સમજતા હશે.
(૧૬) પ્રશ્નઃ– શાસ્ત્રમાં પ્રથમના ત્રણ ગુણસ્થાનોમાં અશુભોપયોગ અને ૪- પ-૬ ગુણસ્થાનોમાં એકલો શુભોપયોગ કહ્યો છે તે તારતમ્યતાની અપેક્ષાથી છે કે મુખ્યતાની અપેક્ષાથી છે?
ઉત્તરઃ– તે કથન તારતમ્યતાની અપેક્ષાએ નથી પરંતુ મુખ્યતાની અપેક્ષાથી કહ્યું છે (મોક્ષમાર્ગ પ્ર. પાનું ર૬૯) આ સંબંધમાં વિસ્તારથી જાણવું હોય તો જુઓ પ્રવચનસાર (રાયચંદ્ર ગ્રંથમાલા) અ. ૩ ગા. ૪૮ શ્રી જયસેનાચાર્યની ટીકા પાનું ૩૪ર.
(૧૭) પ્રશ્નઃ– શાસ્ત્રમાં કોઈ જગ્યાએ “શુભ અને શુદ્ધ પરિણામથી કર્મોનો ક્ષય થાય છે” એવું કથન છે, હવે શુભભાવ તો ઔદયિકભાવ છે, બંધનું કારણ છે એમ હોવા છતાં શુભભાવથી કર્મોનો ક્ષય બતાવવાનું શું પ્રયોજન છે?
ઉત્તરઃ– ૧-શુભ પરિણામ-રાગભાવ-(મલિન ભાવ) હોવાથી તે ગમે તે જીવના હો-સમ્યગ્દ્રષ્ટિના હો કે મિથ્યાદ્રષ્ટિના હો-તે મોહયુક્ત ઉદયભાવ હોવાથી બંધનું જ કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી અને એ વાત સત્ય જ છે. આ વાતને આ જ શાસ્ત્રમાં પૃ. ૪૪૧ થી ૪૪૭ માં અનેક શાસ્ત્રોના પ્રમાણ વડે સિદ્ધ કરી બતાવી છે.
ર. શાસ્ત્રના કોઈ પણ કથનનો અર્થ યથાર્થ સમજવો હોય તો સર્વ પ્રથમ એ નિર્ણય કરવો જોઈએ કે તે કયા નયનું કથન છે? આમ વિચાર કરતાં-સમ્યગ્દ્રષ્ટિના શુભભાવથી કર્મોનો ક્ષય થાય છે- એ કથન વ્યવહારનયનું છે, તેથી આનો અર્થ એમ થાય છે કે- એમ નથી પણ નિમિત્તની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે. એટલે ખરેખર તો શુભભાવ કર્મબંધનનું જ કારણ છે પરંતુ સમ્યગ્દ્રષ્ટિને નીચલી ભૂમિકામાં -૪ થી ૧૦ ગુણસ્થાન સુધી શુદ્ધ પરિણામની સાથે તે તે ભૂમિકાને યોગ્ય -શુભભાવ નિમિત્તરૂપ હોય છે, તેનું જ્ઞાન કરાવવું તે આ કથનનું પ્રયોજન છે એમ સમજવું.
૩. એકીસાથે શુભ અને શુદ્ધ પરિણામથી કર્મોનો ક્ષય જ્યાં કહ્યો હોય ત્યાં ઉપાદાન અને નિમિત્ત બન્ને તે તે ગુણસ્થાનના સમયમાં હોય છે અને આ પ્રકારના જ હોય છે– વિરુદ્ધ નહીં એમ બતાવીને તેમાં જીવના શુદ્ધ ભાવ તો ઉપાદાન કારણ છે અને શુભભાવ નિમિત્તકારણ છે એમ આ બન્ને કારણોનું જ્ઞાન કરાવ્યું છે, તેમાં નિમિત્તકારણ અભૂતાર્થ કારણ છે– સાચું કારણ નથી માટે શુભ પરિણામથી કર્મોનો ક્ષય કહેવો તે ઉપચારકથન છે એમ સમજવું.