Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 710

 

[૨૮]

પ્રશ્નઃ– તેવું કથન પણ કંઇક હેતુથી કરવામાં આવે છે, તો અહીં તે હેતુ કયો છે? ઉત્તરઃ– નિશ્ચય ચારિત્રના ધારક જીવને છઠ્ઠા ગુણસ્થાનમાં તેવો જ શુભરાગ હોય છે પરંતુ એવા વ્યવહારથી વિરુદ્ધ પ્રકારનો રાગ કદી પણ હોતો જ નથી, કારણ કે તે ભૂમિકામાં ત્રણ પ્રકારની કષાયશક્તિના અભાવ સહિત મહામંદ પ્રશસ્ત રાગ હોય છે, તેને મહામુનિ છૂટતો નથી એમ જાણીને તેનો ત્યાગ કરતા નથી, ભાવલિંગી મુનિઓને કદાચિત્ મંદરાગના ઉદયથી વ્યવહાર-ચારિત્રનો ભાવ થાય છે, પરંતુ તે શુભભાવને પણ હેય જાણીને દૂર કરવા માગે છે, અને તે તે કાળે એવો જ રાગ થવો ઘટે છે. પુરુષાર્થની મંદતાથી એવો રાગ આવે છે, આવ્યા વિના રહેતો નથી, પરંતુ મુનિ તેને દૂરથી ઓળંગી જાય છે. એ હેતુથી આ કથન કર્યું છે એમ સમજવું. કોઈ જડકર્મના ઉદયથી કોઈ પરદ્રવ્ય-પરક્ષેત્ર-કાળ અને પરભાવ વડે જીવને રાગ-દ્વેષ, સુખ-દુઃખ જ્ઞાન-અજ્ઞાન કદી થતું જ નથી. આ પ્રમાણે સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધાન હોય છે.

આ સંબંધમાં મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ર૪૯ માં કહ્યું છે કે-નીચલી દશામાં કોઈ જીવોને શુભોપયોગ અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો છે, પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે. આ રીતે જે બંધનું કારણ છે તે જ મોક્ષનું ઘાતક છે, એવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા શુભોપયોગ- શુભોપયોગને હેય જાણી, તેના ત્યાગનો ઉપાય કરવો. અને જ્યાં શુદ્ધોપયોગ ન થઈ શકે ત્યાં અશુભોપયોગને છોડી શુભમાં જ પ્રવર્તવું, કારણે કે-શુભોપયોગથી અશુભોપયોગમાં અશુદ્ધતાની અધિકતા છે.

વળી શુદ્ધોપયોગ હોય ત્યારે તો તે પરદ્રવ્યનો સાક્ષીભૂત જ રહે છે, એટલે ત્યાં તો કોઈ પણ દ્રવ્યનું પ્રયોજન જ નથી. વળી શુભોપયોગ હોય ત્યાં બાહ્ય વ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે તથા અશુભોપયોગ હોય ત્યાં બાહ્ય અવ્રતાદિકની પ્રવૃત્તિ થાય છે. કારણ કે-અશુદ્ધોપયોગને અને પર દ્રવ્યની પ્રવૃત્તિને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે, તેથી પહેલાં અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય, પછી શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય એવી ક્રમ પરિપાટી છે. પરંતુ કોઈ એમ માને કે શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે. જેમ અશુભ છૂટીને શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટીને શુદ્ધોપયોગ થાય છે. એમ જ કારણ કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ પણ ઠરે. (તો એમ નથી) દ્રવ્યલિંગીને શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે, ત્યારે શુદ્ધોપયોગ હોતો જ નથી, તેથી પરમાર્થથી એ બન્નેમાં કારણ–કાર્યપણું નથી. જેમ અલ્પરોગ નીરોગ થવાનું કારણ નથી, અને ભલો પણ નથી, તેમ શુભોપયોગ પણ રોગ સમાન છે, ભલો નથી. (મોક્ષમાર્ગ-પ્રકાશક પૃ. રપ૦)