Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 258 of 655
PDF/HTML Page 313 of 710

 

૨પ૬ ] [ મોક્ષશાસ્ત્ર

(૩) બુદ્ધિઋદ્ધિ– બુદ્ધિઋદ્ધિના અઢાર પ્રકાર છે -૧-કેવળજ્ઞાન, ર-અવધિજ્ઞાન, ૩-મનઃપર્યયજ્ઞાન, ૪-બીજબુદ્ધિ, પ-કોષ્ટબુદ્ધિ, ૬-પદાનુસારિણી, ૭-સંભિન્નશ્રોતૃત્વ, ૮-દૂરાસ્વાદનસમર્થનતા, ૯-દૂરદર્શનસમર્થતા, ૧૦-દૂરસ્પર્શનસમર્થતા, ૧૧- દૂરધ્રાણસમર્થતા, ૧૨-દૂરશ્રોતૃસમર્થતા, ૧ર-દશપૂર્વિત્વ, ૧૪-ચતુર્દશપૂર્વિત્વ, ૧પ- અષ્ટાંગનિમિત્તતા, ૧૬-પ્રજ્ઞાશ્રમણત્વ ૧૭-પ્રત્યેકબુદ્ધતા અને ૧૮- વાદિત્વ. તેમનું સ્વરૂપ નીચે મુજબ છેઃ-

૧–૩. કેવળજ્ઞાન–અવધિજ્ઞાન–મનઃપર્યયજ્ઞાન–આ ત્રણેનું સ્વરૂપ અધ્યાય ૧, સૂત્ર ર૧ થી રપ તથા ર૭ થી ૩૦ સુધીમાં આવી ગયું છે.

૪. બીજબુદ્ધિ– એક બીજપદને (મૂળપદને) ગ્રહણ કરવાથી અનેક પદ અને અનેક અર્થનું જાણવું તે બીજબુદ્ધિ છે.

પ. કોષ્ટબુદ્ધિ– જેમ કોઠારમાં નાખેલ ધાન્ય, બીજ વગેરે ઘણા કાળ સુધી જેમનાં તેમ રહે, વધે ઘટે નહિ, પરસ્પર મળે નહિ તેમ પરના ઉપદેશથી ગ્રહણ કરેલ ઘણા શબ્દો, અર્થ, બીજ જે બુદ્ધિમાં જેમ ને તેમ રહે - એક અક્ષર તથા અર્થ ઘટે વધે નહિ, આગળ-પાછળ અક્ષર થાય નહિ તે કોષ્ટબુદ્ધિ છે.

૬. પદાનુસારિણીબુદ્ધિ–ગ્રંથની શરૂઆત, મધ્ય અગર અંતનું એક પદનું શ્રવણ કરી સમસ્ત ગ્રંથ તથા તેના અર્થનો નિશ્ચય કરવો તે પદાનુસારિણીબુદ્ધિ છે.

૭. સંભિન્નશ્રોતૃત્વબુદ્ધિ– ચક્રવર્તીની છાવણી બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી પડી હોય છે, તેમાં હાથી, ઘોડા, ઊંટ, મનુષ્યાદિના જુદાજુદા પ્રકારના અક્ષર- અનક્ષરાત્મક શબ્દો એક વખતે યુગપત્ ઊપજે છે; તેને તપવિશેષના કારણે (આત્માના બધા પ્રદેશોએ શ્રોત્રેન્દ્રિયાવરણકર્મનો ક્ષયોમશમ થતાં) એક કાળે જુદા જુદા શ્રવણ કરે (સાંભળે) તે સંભિન્નશ્રોતૃત્વબુદ્ધિ છે.

૮. દૂરાસ્વાદનસમર્થતાબુદ્ધિ – તપવિશેષતા કારણે (પ્રગટ થતા અસાધારણ રસનેન્દ્રિય શ્રુતજ્ઞાનાવરણ, વીર્યાંતરાયના ક્ષયોપશમ અને અંગોપાંગનામકર્મના ઉદયથી) મુનિને રસનો જે વિષય નવ યોજન પ્રમાણ હોય, તેના રસાસ્વાદનું (રસને જાણવાનું) સામર્થ્ય હોય તે દૂરાસ્વાદનસમર્થતા-બુદ્ધિ છે.

૯–૧ર. દૂરદર્શન–સ્પર્શન–ઘ્રાણ–શ્રોતૃસમર્થતાબુદ્ધિઃ– ઉપર મુજબ ચક્ષુરિન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના વિષયના ક્ષેત્રથી બહાર ઘણાં ક્ષેત્રનાં રૂપ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણવાનું સામર્થ્ય હોવું તે. તે તે નામની ચાર પ્રકારની બુદ્ધિ છે.