Moksha Shastra (Gujarati). Sutra: 20-21 (Chapter 4).

< Previous Page   Next Page >


Page 284 of 655
PDF/HTML Page 339 of 710

 

અ. ૪ સૂત્ર ૨૦-૨૧ ] [ ૨૮૩ આભરણ હોય છે; તેથી તે માનસ્થંભો દેવથી પૂજનિક છે. એ માનસ્થંભની નજીક જ આઠ યોજન પહોળું, આઠ યોજન લાંબું તથા ઊંચું ઉપપાદગૃહ છે. તે ઉપપાદગૃહમાં બે રત્નમય શય્યા હોય છે, તે ઇન્દ્રનું જન્મસ્થાન છે. આ ઉપપાદગૃહની નિકટમાં જ ઘણા શિખરવાળાં જિનમંદિરો છે. તેનું વિશેષ વર્ણન ત્રિલોકસારાદિ ગ્રંથમાંથી જાણવું.।। ૧૯।।

વૈમાનિક દેવોમાં ઉત્તરોત્તર અધિકતા
स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतोऽधिका ।। २०।।

અર્થઃ– આયુસ્થિતિ, પ્રભાવ, સુખ, ધુતિ, લેશ્યાની વિશુદ્ધિ, ઇન્દ્રિયનો વિષય અને અવધિજ્ઞાનનો વિષય એ સર્વે ઉપર ઉપરનાં વિમાનોમાં (વૈમાનિક દેવોને) અધિક છે.

ટીકા

સ્થિતિઃ– આયુકર્મના ઉદયથી જે ભવમાં રહેવાનું થાય છે તે સ્થિતિ છે. પ્રભાવઃ– પરને ઉપકાર તથા નિગ્રહ કરવાની ભાવની શક્તિ પ્રભાવ છે. સુખ– શાતાવેદનીયના ઉદયથી ઇન્દ્રિયના ઇષ્ટ વિષયોની સગવડ તે સુખ છે. અહીં‘સુખ’નો અર્થ બહારના સંયોગોની સગવડ કરવો, નિશ્ચયસુખ (આત્મિક સુખ) અહીં ન સમજવું; નિશ્ચયસુખની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે; અહીં સમ્યગ્દ્રષ્ટિના કે મિથ્યાદ્રષ્ટિના ભેદની અપેક્ષાએ કથન નથી પણ સામાન્ય કથન છે એમ સમજવું.

દ્યુતિ– શરીરની તથા વસ્ત્ર, આભૂષણ, બળની દીપ્તિ તે દ્યુતિ છે. લેશ્યાવિશુદ્ધિ– લેશ્યાની ઉજ્જ્વલતા તે વિશુદ્ધિ છે; અહીં ભાવલેશ્યા સમજવું. ઇન્દ્રિયવિષય– ઇન્દ્રિય દ્વારા (મતિજ્ઞાનથી) જાણવાયોગ્ય પર્દાથને ઇન્દ્રિયવિષય કહેવાય છે.

અવધિવિષય– અવધિજ્ઞાનથી જાણવાયોગ્ય પદાર્થ તે અવધિવિષય છે. ।। ર૦।।
વૈમાનિક દેવોમાં ઉત્તરોત્તર હીનતા
गतिशरीरपरिग्रहाभिमानतो हीनाः।। २१।।

અર્થઃ– ગતિ, શરીર, પરિગ્રહ અને અભિમાનની અપેક્ષાએ ઉપર ઉપરના વૈમાનિક દેવો હીન હીન છે.