Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 288 of 655
PDF/HTML Page 343 of 710

 

અ. ૪ સૂત્ર ૨૧ ] [ ૨૮૭ દેવ-ગુરુ-શાસ્ત્રનો વ્યવહારથી (રાગમિશ્રિત વિચારથી) સાચો નિર્ણય કર્યો છે પરંતુ નિશ્ચયથી એટલે કે રાગથી પર થઈને સાચો નિર્ણય કર્યો નથી, તેમજ ‘શુભભાવથી ધર્મ થાય’ એવી સૂક્ષ્મ મિથ્યામાન્યતા તેને રહી જાય છે તેથી તે મિથ્યાદ્રષ્ટિ રહે છે.

૩. સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રની વ્યવહારશ્રદ્ધા વગર ઊંચા શુભભાવ પણ થઈ શકતા નથી, માટે જે જીવોને સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રનો સંયોગ મળ્‌યો હોવા છતાં જો તે તેનો રાગમિશ્રિત વ્યવહારનો સાચો નિર્ણય ન કરે તો ગૃહિતમિથ્યાત્વ રહે છે, અને જેને કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની માન્યતા હોય તેને પણ ગૃહીતમિથ્યાત્વ હોય જ છે, અને જ્યાં ગૃહીતમિથ્યાત્વ હોય ત્યાં અગૃહીતમિથ્યાત્વ પણ હોય જ; તેથી એવા જીવને સમ્યગ્દર્શનાદિ ધર્મ તો ન જ થાય પરંતુ મિથ્યાદ્રષ્ટિને થતો ઉત્કૃષ્ટ શુભભાવ પણ તેને ન થાય તેવા જીવોને જૈનધર્મની શ્રદ્ધા વ્યવહારે પણ ગણી શકાય નહિ.

૪. આ જ કારણે અન્ય ધર્મની માન્યતાવાળાઓને સાચા ધર્મની શરૂઆત અર્થાત્ સમ્યગ્દર્શન તો થાય જ નહી, અને મિથ્યાદ્રષ્ટિને લાયકનો ઉત્કૃષ્ટ શુભભાવ પણ તેઓ કરી શકે નહિ; તેઓ વધારેમાં વધારે બારમા દેવલોકની પ્રાપ્તિનો શુભભાવ કરી શકે.

પ. ‘દેવગતિમાં સુખ છે’ એમ ઘણા અજ્ઞાની લોકોની માન્યતા રહે છે, પણ તે ભૂલ છે. ઘણા દેવો તો મિથ્યાત્વ વડે અતત્ત્વશ્રદ્ધાન યુક્ત જ થઈ રહ્યા છે. ભવનવાસી વ્યંતર અને જયોતિષી દેવોને કષાય ઘણો મંદ નથી, ઉપયોગ બહુ ચંચળ છે તથા કંઈક શક્તિ છે તેથી કુતૂહલ તથા વિષયાદિ કાર્યોમાં જ તેઓ લાગી રહ્યા છે અને તેથી તેની વ્યાકુળતાથી તેઓ દુઃખી જ છે. ત્યાં માયા-લોભ-કષાયનાં કારણો હોવાથી તેવાં કાર્યોની મુખ્યતા છે; છળ કરવો, વિષયસામગ્રીની ઈચ્છા કરવી ઈત્યાદિ કાર્ય ત્યાં વિશેષ હોય છે; પણ વૈમાનિક દેવોમાં ઉપર ઉપરના દેવોને તે કાર્યો થોડાં હોય છે. ત્યાં હાસ્ય અને રતિકષાયનાં કારણો હોવાથી તેવાં કાર્યોની મુખ્યતા હોય છે. એ પ્રમાણે દેવોને કષાયભાવ હોય છે અને કષાયભાવ એ દુઃખ જ છે. ઊંચા દેવોને ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય છે અને કષાય ઘણા મંદ છે તથાપિ તેમને પણ ઇચ્છાનો અભાવ નથી તેથી વસ્તુતાએ તેઓ દુઃખી જ છે. જે દેવો સમ્યગ્દર્શનરૂપી મોક્ષમાર્ગ પામ્યા હોય તેઓ જ, જેટલે દરજ્જે વીતરાગતા વધારે તેટલે દરજ્જે સાચા સુખી છે. સમ્યગ્દર્શન વગર ક્યાંય પણ સુખના અંશની શરૂઆત થતી નથી, અને તેથી જ આ શાસ્ત્રના પહેલાજ સૂત્રમાં મોક્ષનો ઉપાય દર્શાવતાં તેમાં સમ્યગ્દર્શન પહેલું જણાવ્યું છે; માટે જીવોએ પ્રથમ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો જરૂરી છે.