અ. પ સૂત્ર ૪ ] [ ૩૧પ
(૧) નિત્ય-કદી નષ્ટ ન થાય તે નિત્ય (જુઓ, સૂત્ર ૩૧ તથા તેની ટીકા.) અવસ્થિત–પોતાની સંખ્યાને ઉલ્લંઘન ન કરે તે અવસ્થિત. અરૂપી–સ્પર્શ-રસ-ગંધ-વર્ણ રહિત તે અરૂપી. (ર) પહેલા બે સ્વભાવ બધાં દ્રવ્યોમાં હોય છે. ઊંચે આસમાની રંગ દેખાય છે તેને લોકો આકાશ કહે છે પણ તે તો પુદ્ગલનો રંગ છે; આકાશ તો સર્વવ્યાપક અરૂપી, અજીવ એક દ્રવ્ય છે.
(૩) ‘અવસ્થિત’ શબ્દ એમ સૂચવે છે કે-દરેક દ્રવ્ય પોતપોતાના પરિણામને કરે છે. પરિણામ અને પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નથી. જો એક દ્રવ્ય, તેના ગુણ કે પર્યાય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરે કે કરાવે તો તે તન્મય (પરદ્રવ્યમય) થઈ જાય. પરંતુ કોઈ દ્રવ્ય પરદ્રવ્યમય તો થતું નથી. જો કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ આવે અને દ્રવ્યનું ‘અવસ્થિતપણું’ રહે નહિ. વળી દ્રવ્યોનો નાશ થતાં તેનું ‘નિત્યપણું’ પણ રહે નહિ.
(૪) દરેક દ્રવ્ય અનંત ગુણોનો પિંડ છે. દ્રવ્ય નિત્ય હોવાથી તેનો દરેક ગુણ નિત્ય રહે છે. વળી એક ગુણ તે જ ગુણરૂપ રહે છે, બીજા ગુણરૂપ થઈ જતો નથી. આ રીતે દરેક ગુણનું અવસ્થિતપણું છે; જો તેમ ન હોય તો ગુણનો નાશ થાય, અને ગુણનો નાશ થતાં આખા દ્રવ્યનો નાશ થાય અને તેમ થતાં દ્રવ્યનું ‘નિત્યપણું’ રહે નહિ.
(પ) જે દ્રવ્યો અનેકપ્રદેશી છે તેનો દરેક પ્રદેશ પણ નિત્ય અને અવસ્થિત રહે છે. તેમાંથી એક પણ પ્રદેશ બીજા પ્રદેશરૂપ થતો નથી. જો એક પ્રદેશનું સ્થાન બીજા પ્રદેશરૂપ થાય તો પ્રદેશોનું અવસ્થિતપણું રહે નહિ. એક પણ પ્રદેશનો નાશ થાય તો આખા દ્રવ્યનો નાશ થાય અને તેમ થાય તો તેનું નિત્યપણું રહે નહિ.
(૬) દરેક દ્રવ્યનો પર્યાય પોતપોતાના અવસરે પ્રગટે છે અને પછી પછીના અવસરોએ પછી પછીનો પર્યાય પ્રગટે છે અને પહેલાં પહેલાંનો પર્યાય પ્રગટતો નથી -એ રીતે પર્યાયોનું અવસ્થિતપણું સિદ્ધ થાય છે. જો પર્યાય પોતપોતાના અવસરે પ્રગટ ન થાય અને બીજા પર્યાયના અવસરે પ્રગટ થાય તો પર્યાયનો પ્રવાહ અવસ્થિત રહે નહિ અને તેમ થતાં દ્રવ્યનું અવસ્થિતપણું પણ રહે નહિ. ।। ૪।।