અ. પ ઉપસંહાર ] [ ૩૬૯ યજ્ઞદત્ત વગેરે બીજા પદાર્થોનો દરેકનો પોતપોતામાં સદ્ભાવ અને દેવદત્તમાં અભાવ તે દેવદત્તનું હોવાપણું સિદ્ધ કરવામાં નિમિત્તકારણ છે. જો આ પ્રમાણે ન માનવામાં આવે અને યજ્ઞદત્ત વગેરે બીજા કોઈ પણ પદાર્થનો દેવદત્તમાં સદ્ભાવ માનવામાં આવે તો તે પણ દેવદત્ત થઈ જાય. આમ થતાં દેવદત્તની સ્વતંત્ર હયાતી જ સિદ્ધ ન થઈ શકે.
વળી જો યજ્ઞદત્ત વગેરે બીજા પદાર્થોની હયાતી જ-સદ્ભાવ જ ન માનીએ તો દેવદત્તનું હોવાપણું પણ સિદ્ધ થઈ શકે નહિ, કેમકે એક મનુષ્યને બીજાથી જુદો પાડવા માટે તેને દેવદત્ત કહ્યો; તેથી દેવદત્તના સત્તાપણામાં દેવદત્ત મૂળ ઉપાદાનકારણ અને જેમનાથી તેને જુદો પાડયો તેવા અન્ય પદાર્થો તે નિમિત્તકારણ છે.
આ ઉપરથી એવો નિયમ પણ સિદ્ધ થયો કે નિમિત્તકારણ ઉપાદાનને અનુકૂળ હોય પણ પ્રતિકૂળ હોય નહિ. દેવદત્તના દેવદત્તપણામાં પરદ્રવ્યો તેને અનુકૂળ છે, કેમકે તેઓ દેવદત્તરૂપે થતાં નથી. જો દેવદત્તરૂપે તેઓ થાય તો પ્રતિકૂળ થાય અને તેમ થતાં બન્નેનો (દેવદત્ત અને પરનો) નાશ થાય.
આ પ્રમાણે બે સિદ્ધાંતો નક્કી થયાઃ ૧. દરેક દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વથી અસ્તિ છે તે ઉપાદાનકારણ છે અને પરદ્રવ્ય-ગુણ-પર્યાયની તેમાં નાસ્તિ છે તે નિમિત્તકારણ છે; નિમિત્તકારણ તે માત્ર આરોપિતકારણ છે, ખરું કારણ નથી; તેમ જ તે ઉપાદાનકારણને કાંઈ જ કરતું નથી. જીવના ઉપાદાનમાં જે જાતનો ભાવ હોય તે ભાવને અનુકૂળપણાનો નિમિત્તમાં આરોપ આવે છે. સામે સત્ નિમિત્ત હોવા છતાં કોઈ જીવ જો ઊંધા ભાવ કરે તો તે જીવના ઊંધા ભાવમાં પણ સામી ચીજને અનુકૂળ નિમિત્ત બનાવ્યું કહેવાય છે. જેમ કે- કોઈ જીવ તીર્થંકર ભગવાનના સમવસરણમાં ગયો અને દિવ્યધ્વનિમાં વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ કહેવાયું તે સાંભળ્યું; પરંતુ તે જીવને વાત બેઠી નહિ તેથી તે ઊંધો પડયો, તો તે જીવે પોતાના ઊંધા ભાવને માટે ભગવાનના દિવ્યધ્વનિને અનુકૂળ નિમિત્ત બનાવ્યું કહેવાય.
દેખવામાં આવતા પદાર્થોમાં ચાર બાબતો જોવામાં આવે છે; ૧. તે પદાર્થ ઉપર, નીચે અહીં, ત્યાં-એમ જોવામાં આવે છે. ૨. તે જ પદાર્થ અત્યારે, પછી, જ્યારે, ત્યારે, ત્યારથી અત્યાર સુધી-એ રીતે જોવામાં આવે છે. ૩. તે જ પદાર્થ સ્થિર, સ્તબ્ધ,