૩૭૦ ] [ મોક્ષશાસ્ત્ર નિશ્ચળ એવા પ્રકારે જોવામાં આવે છે; અને ૪. તે જ પદાર્થ હાલતો-ચાલતો, ચંચળ, અસ્થિર જોવામાં આવે છે. આ ચાર બાબતો પદાર્થોને દેખતાં સમજવામાં આવે છે તો પણ એ બાબતો દ્વારા પદાર્થોની કાંઈપણ આકૃતિ બદલતી નથી. તે તે કાર્યોનું ઉપાદાનકારણ તો દરેક દ્રવ્ય છે, પણ તે ચારે પ્રકારની ક્રિયા જુદા જુદા પ્રકારની હોવાથી તે ક્રિયાનાં સૂચક નિમિત્તકારણ જુદાં જ હોય છે.
આ સંબંધે ખ્યાલમાં રાખવું કે, કોઈ પદાર્થમાં પહેલી, બીજી અને ત્રીજી અથવા પહેલી, બીજી અને ચોથી બાબતો એકી સાથે દેખાય છે. તે સિવાય ત્રીજી, ચોથી અને પહેલી અથવા ત્રીજી, ચોથી અને બીજી એ પ્રમાણેની બાબતો કદી હોય નહિ.
હવે આપણે એક એક બાબત ક્રમસર જોઈએ.
જગતની દરેક વસ્તુને પોતાનું ક્ષેત્ર હોય છે અર્થાત્ તેને લંબાઈ-પહોળાઈ હોય છે, એટલે કે તેને પોતાનું અવગાહન હોય છે. તે અવગાહન પોતાનું ઉપાદાનકારણ થયું અને તેમાં નિમિત્તકારણરૂપ બીજી વસ્તુ હોય છે.
નિમિત્તકારણરૂપ બીજી વસ્તુ એવી હોવી જોઈએ કે તેની સાથે ઉપાદાન વસ્તુ અવગાહનમાં એકરૂપ ન થઈ જાય. ઉપાદાન પોતે અવગાહનરૂપ હોવા છતાં અવગાહનમાં જે પરદ્રવ્ય નિમિત્ત છે તેનાથી તે ભિન્નપણે ટકી રહે, એટલે કે પરમાર્થે દરેક દ્રવ્ય પોતપોતાના અવગાહનમાં જ છે.
વળી, તે વસ્તુ જગતના બધા પદાર્થોને એકી સાથે નિમિત્તકારણ જોઈએ, કેમ કે જગતના બધા પદાર્થો અનાદિ છે અને સૌને પોતપોતાનું ક્ષેત્ર છે; તે તેમનું અવગાહન છે. અવગાહનમાં નિમિત્ત થનારી વસ્તુ બધાં અવગાહન લેનાર દ્રવ્યોથી મોટી જોઈએ. જગતમાં આવી એક વસ્તુ અવગાહનમાં નિમિત્તકારણરૂપ છે, તેને ‘આકાશ’ કહેવામાં આવે છે.
વળી, જગતમાં સૂક્ષ્મ, સ્થૂળ એમ બે પ્રકારના તથા રૂપી અને અરૂપી એમ બે પ્રકારના પદાર્થો છે. તે ઉપાદાનરૂપ પદાર્થોને નિમિત્તપણે અનુકૂળ કોઈ પરદ્રવ્ય હોવું જોઈએ અને તેના ઉપાદાનમાં અભાવ જોઈએ; વળી અબાધિત અવગાહન આપનાર પદાર્થ અરૂપી જ હોઈ શકે. આ રીતે આકાશ એક, સર્વવ્યાપક, બધાથી મોટું, અરૂપી અને અનાદિ દ્રવ્યરૂપ સિદ્ધ થાય છે.