અ. પ ઉપસંહાર ] [ ૩૮૧
૪–પ્રમેયત્વગુણને લીધે દ્રવ્યો જ્ઞાનમાં જણાય છે. છ એ દ્રવ્યોમાં આ પ્રમેયશક્તિ હોવાથી જ્ઞાન છએ દ્રવ્યના સ્વરૂપનો નિર્ણય કરી શકે છે. જો વસ્તુમાં પ્રમેયત્વ ગુણ ન હોય તો “આ વસ્તુ છે” એમ તે પોતાને કેવી રીતે જણાવી શકે? જગતનો કોઈ પદાર્થ જ્ઞાનદ્વારા અગમ્ય નથી; આત્મામાં પ્રમેયત્વગુણ હોવાથી આત્મા પોતે પોતાને જાણી શકે છે.
પ–અગુરુલઘુત્વગુણને લીધે દરેક વસ્તુ નિજ નિજ સ્વરૂપે ટકી રહે છે. જીવ બદલીને કદી પરમાણુરૂપે થઈ જતો નથી, પરમાણુ બદલીને કદી જીવરૂપે થઈ જતાં નથી. જડ સદાય જડરૂપે અને ચેતન સદાય ચેતનરૂપે જ રહે છે. જ્ઞાનનો ઉઘાડ વિકારદશામાં ગમે તેટલો ઓછો થાય તોપણ જીવદ્રવ્ય તદ્ન જ્ઞાન વગરનું થઈ જાય- એમ કદી ન બને. આ શક્તિને લીધે દ્રવ્યના ગુણો છૂટા પડી જતા નથી, તેમ જ કોઈ બે વસ્તુ એકરૂપ થઈને ત્રીજી નવી જાતની વસ્તુ ઉત્પન્ન થતી નથી; કેમ કે વસ્તુનું સ્વરૂપ કદાપિ અન્યથા થતું નથી.
૬–પ્રદેશત્વગુણને લીધે દરેક દ્રવ્યને પોતપોતાનો આકાર હોય છે. દરેક દ્રવ્ય પોતપોતાના સ્વ આકારમાં જ રહે છે. સિદ્ધદશા થતાં એક જીવ બીજા જીવમાં ભળી જતો નથી પણ દરેક જીવ પોતાના પ્રદેશાકારમાં સ્વતંત્રપણે ટકી રહે છે.
આ છ સામાન્યગુણો મુખ્ય છે, આ સિવાય બીજા સામાન્યગુણો પણ છે. આ રીતે ગુણોદ્વારા દ્રવ્યનું સ્વરૂપ વધારે સ્પષ્ટતાથી જાણી શકાય છે.
૧ર૬ (૧) કર્તા કોને કહે છે?
જે સ્વતંત્રતાથી (-સ્વાધીનતાથી) પોતાના પરિણામ કરે તે કર્તા છે. (પ્રત્યેક દ્રવ્ય પોતામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી પોતાના જ પરિણામોનો કર્તા છે) (ર) કર્મ (-કાર્ય) કોને કહે છે? કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું કર્મ છે. (૩) કરણ કોને કહે છે? તે પરિણામના સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. (૪) સંપ્રદાન કોને કહે છે? કર્મ (-પરિણામ-કાર્ય) જેને દેવામાં આવે અથવા જેને માટે કરવામાં આવે છે તેને સંપ્રદાન કહે છે