૩૮૦ ] [ મોક્ષશાસ્ત્ર
દ્રવ્યનો કોઈ બનાવનાર નથી માટે નવું સાતમું કોઈ દ્રવ્ય થઈ શક્તું નથી, અને કોઈ દ્રવ્યનો કોઈ નાશ કરનાર નથી માટે છ દ્રવ્યોમાંથી કદી ઓછાં થતાં નથી. શાશ્વતપણે છ દ્રવ્યો છે. સંપૂર્ણ જ્ઞાન વડે સર્વજ્ઞ ભગવાને છ દ્રવ્યો જાણ્યાં અને તે જ ઉપદેશમાં દિવ્યવાણી દ્વારા કહ્યાં. સર્વજ્ઞ વીતરાગદેવપ્રણીત પરમ સત્યમાર્ગ સિવાય આ છ દ્રવ્યનું સાચું સ્વરૂપ બીજે ક્યાંય છે જ નહિ.
દ્રવ્યની ખાસ શક્તિ (ચિહ્ન, વિશેષ ગુણ) સંબંધી પૂર્વે સંક્ષિપ્તમાં કહેવાઈ ગયું છે; એક દ્રવ્યની ખાસ શક્તિ હોય તે અન્ય દ્રવ્યોમાં હોતી નથી; તેથી ખાસ શક્તિ વડે દ્રવ્યના સ્વરૂપને ઓળખી શકાય છે. જેમ કે-જ્ઞાન તે જીવ દ્રવ્યની ખાસ શક્તિ છે, જીવ સિવાયનાં અન્ય કોઈ દ્રવ્યમાં જ્ઞાન નથી, તેથી જ્ઞાનશક્તિ વડે જીવ ઓળખી શકાય છે.
અહીં હવે દ્રવ્યોની સામાન્યશક્તિ સંબંધી થોડું કહેવામાં આવે છે. જે શક્તિ બધાં દ્રવ્યોમાં હોય તેને સામાન્યશક્તિ (સામાન્યગુણ) કહેવાય છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ. આ છ સામાન્ય ગુણો મુખ્ય છે, તે બધાય દ્રવ્યોમાં છે.
૧–અસ્તિત્વગુણને લીધે દ્રવ્યના હોવાપણાનો કદી નાશ થતો નથી. દ્રવ્યો અમુક કાળ માટે છે અને પછી નાશ પામે છે-એમ નથી; દ્રવ્યો નિત્ય ટકી રહેનારાં છે. જો અસ્તિત્વગુણ ન હોય તો વસ્તુ જ હોઈ શકે નહિ, અને જો વસ્તુ જ ન હોય તો સમજાવવાનું કોને?
૨–વસ્તુત્વગુણને લીધે દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે; જેમ ઘડો પાણીને ધારણ કરે છે તેમ દ્રવ્ય પોતે જ પોતાના ગુણ-પર્યાયોનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. એક દ્રવ્ય બીજા કોઈનું કાર્ય કરતું નથી.
૩– દ્રવ્યગુણને લીધે દ્રવ્ય નિરંતર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં દ્રવ્યા કરે છે-પરિણમ્યા કરે છે. દ્રવ્ય ત્રિકાળ અસ્તિરૂપ હોવા છતાં તે સદા એક સરખું (કૂટસ્થ) નથી; પરંતુ નિરંતર નિત્ય બદલતું-પરિણામી છે. જો દ્રવ્યમાં પરિણમન ન હોય તો જીવને સંસારદશાનો નાશ થઈને મોક્ષદશાની ઉત્પત્તિ કેમ થાય? શરીરની બાલ્યદશામાંથી યુવક દશા કેમ થાય? છ એ દ્રવ્યોમાં દ્રવ્યશક્તિ હોવાથી બધાય સ્વતંત્રપણે પોતપોતાના પર્યાયમાં પરિણમી રહ્યાં છે; કોઈ દ્રવ્ય પોતાનો પર્યાય પરિણમાવવા માટે બીજા દ્રવ્યની મદદ કે અસર રાખતું નથી.