Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 380 of 655
PDF/HTML Page 435 of 710

 

અ. પ ઉપસંહાર ] [ ૩૭૯ આ જગતમાં નથી. પૂર્ણ જ્ઞાનમાં છ દ્રવ્યો જણાયાં છે, છ દ્રવ્યથી અધિક બીજું કાંઈ નથી.

કર્મો ઉપરથી છ દ્રવ્યોની સિદ્ધિ

કર્મો તે પુદ્ગલની અવસ્થા છે; જીવના વિકારી ભાવના નિમિત્તથી તે જીવ સાથે રહેલાં છે; કેટલાંક કર્મો બંધરૂપે સ્થિર થયાં છે તેને અધર્માસ્તિકાયનું નિમિત્ત છે; ક્ષણે ક્ષણે કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે; ખરી જવામાં ક્ષેત્રાંતર થાય છે તેમાં તેને ધર્માસ્તિકાયનું નિમિત્ત છે; કર્મની સ્થિતિ કહેવાય છે કે ૭૦ ક્રોડાક્રોડીનું કર્મ અથવા અંતર્મુહૂર્તનું કર્મ, એમાં ‘કાળ’ દ્રવ્યની અપેક્ષા આવે છે; ઘણા કર્મપરમાણુઓ એક ક્ષેત્રે રહેવામાં આકાશદ્રવ્યની અપેક્ષા છે. આ રીતે છ દ્રવ્યો સિદ્ધ થયાં.

દ્રવ્યોની સ્વતંત્રતા

આ ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે જીવદ્રવ્ય અને પદ્ગલદ્રવ્ય (-કર્મ) બન્ને તદ્ન જુદી જુદી વસ્તુઓ છે, અને બન્ને પોતપોતામાં સ્વતંત્ર છે, કોઈ એક બીજામાં કાંઈ જ કરતા નથી. જો જીવ અને કર્મો ભેગાં થઈ જાય તો આ જગતમાં છ દ્રવ્યો જ રહી શકે નહિ; જીવ અને કર્મ સદાય જુદાં જ છે. દ્રવ્યોનો સ્વભાવ અનાદિ અનંત ટકીને સમયે સમયે બદલવાનો છે. બધાંય દ્રવ્યો પોતાની તાકાતથી સ્વતંત્રપણે અનાદિ અનંત ટકીને પોતે જ પોતાની હાલત બદલાવે છે. જીવની હાલત જીવ બદલાવે છે, પુદ્ગલની હાલત પુદ્ગલ બદલાવે છે. પુદ્ગલનું કાંઈ જીવ કરે નહિ અને જીવનું કાંઈ પુદ્ગલ કરે નહિ.

ઉત્પાદ–વ્યય–ધ્રુવ

દ્રવ્યનો કોઈ કર્તા નથી. જો કોઈ કર્તા હોય તો તેણે દ્રવ્યોને કઈ રીતે બનાવ્યાં? શેમાંથી બનાવ્યાં? તે કર્તા પોતે શેનો બન્યો? જગતમાં છ દ્રવ્યો પોતાના સ્વભાવથી જ છે તેનો કોઈ કર્તા નથી. કોઈ પણ નવા પદાર્થની ઉત્પત્તિ થતી જ નથી. કોઈ પણ પ્રયોગે કરીને નવા જીવની કે નવા પરમાણુની ઉત્પત્તિ થઈ શકે નહિ, પણ જે પદાર્થ હોય તે જ રૂપાંતર થાય; અર્થાત્ જે દ્રવ્ય હોય તે નાશ પામે નહિ, જે દ્રવ્ય ન હોય તે ઉત્પન્ન થાય નહિ અને જે દ્રવ્ય હોય તે પોતાની હાલત ક્ષણે ક્ષણે બદલ્યા જ કરે, આવો નિયમ છે. આ સિદ્ધાંતને ઉત્પાદ-વ્યય-ધ્રુવ અર્થાત્ નિત્ય ટકીને બદલવું (permanency with a change) કહેવાય છે.