ભૂમિકા
૧. પહેલા અધ્યાયના ચોથા સૂત્રમાં સાત તત્ત્વો કહ્યાં છે અને તે તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે-એમ પહેલા અધ્યાયના બીજા સૂત્રમાં કહ્યું છે. બીજાથી પાંચમા અધ્યાય સુધીમાં જીવ અને અજીવ તત્ત્વનું વર્ણન કર્યું. આ અધ્યાયમાં તથા સાતમાં અધ્યાયમાં આસ્રવ તત્ત્વનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. આસ્રવની વ્યાખ્યા પૂર્વે ૧૪ મા પાને આપી છે તે અહીં લાગુ પડે છે.
આ જગતમાં જીવ અને અજીવ દ્રવ્યો છે અને તેમના પરિણમનથી આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વો થાય છે. એ રીતે જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે.
હવે અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-હે ગુરુદેવ? (૧) જો જીવ તથા અજીવ એ બન્ને દ્રવ્યો એકાંતે (-સર્વથા) પરિણામી જ હોય તો તેમના સંયોગપર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય છે, અને (ર) જો તેઓ સર્વથા અપરિણામી હોય તો જીવ અને અજીવ દ્રવ્ય એવા બે જ પદાર્થો સિદ્ધ થાય છે. જો આમ છે તો આસ્રવાદિ તત્ત્વો કઈ રીતે સિદ્ધ થાય છે.
શ્રીગુરુ તેનો ઉત્તર કહે છે કે-જીવ અને અજીવ દ્રવ્યો ‘કથંચિત્ પરિણામી’ હોવાથી બાકીનાં પાંચ તત્ત્વોનું કથન ન્યાયયુક્ત સિદ્ધ થાય છે.
(૧) ‘કથંચિત્-પરિણામીપણું’ તેનો શું અર્થ છે તે કહેવાય છેઃ જેમ સ્ફટિકમણિ છે તે જો કે સ્વભાવથી નિર્મળ છે તોપણ જાસુદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતના કારણે પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે; પર્યાયમાં સ્ફટિકમણિ જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે તોપણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળસ્વભાવ છે તેને તે છોડતો નથી. તેમ જીવનો સ્વભાવ પણ શુદ્ધદ્રવ્યાર્થિક નયથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એકરૂપ છે,