અ. ૬ સૂત્ર ૩ ] [ ૩૯૭ જ્ઞાન કરાવવા માટે તેમાં ભેદ કહ્યો છે, -એટલે કે સંસાર અપેક્ષાએ ભેદ છે, ધર્મ અપેક્ષાએ ભેદ નથી અર્થાત્ બન્ને પ્રકારના ભાવ ‘અધર્મ’ છે.
પ્રશ્નઃ– આયુ સિવાયના સાતે કર્મનો આસ્રવ રાગી જીવને નિરંતર થાય છે છતાં શુભપરિણામને પુણ્યઆસ્રવનું જ કારણ અને અશુભ પરિણામને પાપઆસ્રવનું જ કારણ આ સૂત્રમાં કેમ કહ્યું છે?
ઉત્તરઃ– જોકે સંસારી રાગી જીવને સાતે કર્મનો આસ્રવ નિરંતર થાય છે, તોપણ સંકલેશ (અશુભ) પરિણામથી દેવ, મનુષ્ય અને તિર્યંચ આયુષ્ય સિવાય એકસો પીસ્તાલીસ પ્રકૃતિઓની સ્થિતિ વધી જાય છે અને મંદ (શુભ) પરિણામથી તે સમસ્ત કર્મની સ્થિતિ ઘટી જાય છે અને ઉપર્યુક્ત ત્રણ આયુની સ્થિતિ વધી જાય છે.
વળી તીવ્ર કષાયથી શુભપ્રકૃતિનો રસ તો ઘટી જાય છે અને અસાતાવેદનીયાદિક અશુભપ્રકૃતિનો રસ વધી જાય છે. મંદ કષાયથી પુણ્યપ્રકૃતિમાં રસ વધે છે અને પાપપ્રકૃતિમાં રસ ઘટે છે; માટે સ્થિતિ તથા રસ (અનુભાગ) ની અપેક્ષાએ શુભ પરિણામને પુણ્યાસ્રવ કહ્યા અને અશુભ પરિણામને પાપાસ્રવ કહ્યા છે.
પ્રશ્નઃ– શુભ પરિણામના કારણે શુભયોગ અને અશુભ પરિણામના કારણે અશુભ યોગ છે- એમ માનવાને બદલે શુભ-અશુભ કર્મો બંધાવાના નિમિત્તે આ યોગના શુભ-અશુભ ભેદ પડે છે એમ માનવામાં શું વાંધો છે?
ઉત્તરઃ– જો કર્મના બંધ અનુસાર યોગ માનવામાં આવશે તો શુભયોગ જ રહેશે નહિ, કેમ કે શુભયોગના નિમિત્તે જ્ઞાનાવરણાદિ અશુભકર્મો પણ બંધાય છે; તેથી શુભ-અશુભકર્મો બંધાવાના કારણે શુભ-અશુભયોગ એવા ભેદ નથી. પરંતુ મંદકષાયના કારણે શુભ યોગ અને તીવ્ર કષાયના કારણે અશુભ યોગ છે-એમ માનવું તે ન્યાયસર છે.
પ્રશ્નઃ– શુભભાવથી પુણ્યનો બંધ થાય એ ખરુ; પણ તેનાથી પાપની નિર્જરા થાય એમ માનવામાં શું દોષ છે?