અ. ૬ સૂત્ર ૧પ ] [ ૪૨૧
आयुषः] નારકીના આયુના આસ્રવનું કારણ છે.
૧. બહુ આરંભ-પરિગ્રહ રાખવાનો જે ભાવ છે તે નરકાયુના આસ્રવનો હેતુ છે. ‘બહુ’ શબ્દ સંખ્યાવાચક છે તેમ જ પરિણામવાચક છે; એ બન્ને અર્થો અહીં લાગુ પડે છે. અધિક સંખ્યામાં આરંભ-પરિગ્રહ રાખવાથી નારકાયુનો આસ્રવ થાય છે. આરંભ-પરિગ્રહ રાખવાના બહુ પરિણામથી નારકાયુનો આસ્રવ થાય છે; બહુ આરંભ-પરિગ્રહનો ભાવ તે ઉપાદાન કારણ છે અને બાહ્ય બહુ આરંભ-પરિગ્રહ તે નિમિત્તકારણ છે.
ર. આરંભઃ– હિંસાદિ પ્રવૃત્તિનું નામ આરંભ છે. જેટલો પણ આરંભ કરવામાં આવે તેમાં સ્થાવરાદિ જીવોનો નિયમથી વધ થાય છે. આરંભની સાથે ‘બહુ’ શબ્દનો સમાસ કરીને ઘણો આરંભ અથવા બહુ તીવ્ર પરિણામથી જે આરંભ કરવામાં આવે તે બહુ આરંભ, એવો અર્થ થાય છે.
૩. પરિગ્રહ– ‘આ વસ્તુ મારી છે, હું તેનો સ્વામી છું’ એવું પરમાં પોતાપણાનું અભિમાન અથવા પર વસ્તુમાં ‘આ મારી છે’ એવો જે સંકલ્પ તે પરિગ્રહ છે. કેવળ બાહ્ય ધન-ધાન્યાદિ પદાર્થોને જ ‘પરિગ્રહ’ નામ લાગુ પડે છે એમ નથી; બાહ્યમાં કાંઇ પણ પદાર્થ ન હોવા છતાં પણ જો ભાવમાં મમત્વ હોય તો ત્યાં પણ પરિગ્રહ કહી શકાય છે.
૪. સૂત્રમાં નારકાયુના આસ્રવનાં કારણનું જે વર્ણન કર્યું છે તે સંક્ષેપથી છે, ભાવોનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે-
(૧) મિથ્યાદર્શનસહિત હીનાચારમાં તત્પર રહેવું, (ર) અત્યંત માન કરવું, (૩) શિલાભેદ સમાન અત્યંત તીવ્ર ક્રોધ કરવો; (૪) અત્યંત તીવ્ર લોભનો અનુરાગ રહેવો, (પ) દયારહિત પરિણામોનું હોવું, (૬) બીજાઓને દુઃખ દેવાનું ચિત્ત રાખવું, (૭) જીવોને મારવાનો તથા બાંધવાનો ભાવ કરવો,