અ. ૭ સૂત્ર ૧૨ ] [ ૪પ૯ થાય છે. પોતાનું સ્વરૂપ નહિ સમજનારા મિથ્યાદ્રષ્ટિ જીવો દુઃખી છે. તે જીવોને અનાદિથી બે મહાન ભૂલો ચાલી આવે છે; તે ભૂલો નીચે મુજબ છે-
(૧) શરીર વગેરે પરદ્રવ્યનું હું કરી શકું અને પરદ્રવ્ય મારું કરી શકે, એમ પરવસ્તુથી મને લાભ-નુકશાન થાય અને પુણ્યથી જીવને લાભ થાય- આવી માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. આ માન્યતા ખોટી છે. શરીરાદિનાં રજકણે રજકણ સ્વતંત્ર દ્રવ્ય છે, જગતનું દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પરમાણુ દ્રવ્યો સ્વતંત્ર છે, છતાં જીવ તેને હલાવી ચલાવી શકે, તેની વ્યવસ્થા સંભાળી શકે એ માન્યતા દ્રવ્યોની સ્વતંત્રતા છીનવી લેવા બરાબર છે, અને તેમાં દરેક રજકણ ઉપર જીવનું સ્વામિત્વ હોવાની માન્યતા આવે છે; તે અજ્ઞાનરૂપ માન્યતા સંસારનું કારણ છે. દરેક જીવ પણ સ્વતંત્ર છે; જો આ જીવ પરજીવોનું કાંઈ કરી શકે અગર પરજીવો આ જીવનું કાંઈ કરી શકે તો એક જીવ ઉપર બીજા જીવનું સ્વામીત્વ આવી પડે અને સ્વતંત્ર વસ્તુનો નાશ થાય. પુણ્યભાવ તે વિકાર છે, સ્વદ્રવ્યનો આશ્રય ચૂકીને અનંત પરદ્રવ્યોના આશ્રયે તે ભાવ થાય છે, તેનાથી જીવને લાભ થાય એમ માને તો ‘પરાશ્રય-પરાધીનતાથી લાભ છે અર્થાત્ પરાધીનતા તે સુખ છે’-એવો સિદ્ધાંત ઠરે, પણ તે માન્યતા અપસિદ્ધાંત છે-મિથ્યા છે.
(૨) મિથ્યાદ્રષ્ટિ જીવની અનાદિથી બીજી ભૂલ એ છે કે-જીવ વિકારી અવસ્થા જેટલો જ છે અગર તો જન્મથી મરણ સુધી જ છે એમ માનીને પોતાના દરેક સમયે ધ્રુવરૂપ ત્રિકાળ શુદ્ધ ચૈતન્યચમત્કારસ્વરૂપને ઓળખતો નથી અને તે તરફ લક્ષ કરતો નથી.
આ બે ભૂલો તે જ સંસાર છે, તે જ દુઃખ છે. તે ટાળ્યા સિવાય કોઈ જીવ સમ્યગ્જ્ઞાની-ધર્મી -સુખી થઈ શકે નહીં . જ્યાં સુધી તે માન્યતા હોય ત્યાં સુધી જીવ દુઃખી જ છે.
શ્રી સમયસારશાસ્ત્રમાંથી આ સંબંધી કેટલાક આધારો આપવામાં આવે છેઃ- (પા. ૩૮૦) “ સર્વ દ્રવ્યોના પરિણામો જુદા જુદા છે, પોતપોતાના પરિણામોના સૌ દ્રવ્યો કર્તા છે; તેઓ તે પરિણામોના કર્તા છે, તે પરિણામો તેમનાં કર્મ છે. નિશ્ચયથી (ખરેખર) કોઈનો કોઈની સાથે કર્તાકર્મસંબંધ નથી, માટે જીવ પોતાનાં પરિણામોનો જ કર્તા છે, પોતાનાં પરિણામ કર્મ છે. એવી જ રીતે અજીવ પોતાના પરિણામનો જ કર્તા છે. પોતાના પરિણામ કર્મ છે. આ રીતે જીવ બીજાના પરિણામોનો અકર્તા છે.”
(પા. ૩૯૦ કલશ ૧૯૯) “ જેઓ અજ્ઞાન-અંધકારથી આચ્છાદિત થયા થકા આત્માને (પરનો) કર્તા માને છે, તેઓ ભલે મોક્ષને ઇચ્છનારા હોય તોપણ સામાન્ય(લૌકિક) જનોની માફક તેમનો પણ મોક્ષ થતો નથી.”