૪૬૬ ] [ મોક્ષશાસ્ત્ર
(ર) લૌકિક સત્ય બોલવાના ભાવ જીવે ઘણીવાર કર્યા છે, પણ પરમાર્થ સત્યનું સ્વરૂપ સમજ્યો નથી, તેથી જીવનું ભવભ્રમણ મટતું નથી. સમ્યગ્દર્શન પૂર્વકના અભ્યાસથી પરમાર્થ સત્ય બોલવાનું થઈ શકે છે, અને તેના વિશેષ અભ્યાસથી સહજ ઉપયોગ રહ્યા કરે છે. મિથ્યાદ્રષ્ટિના કથનમાં કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા હોય છે તેથી, લૌકિક અપેક્ષાએ તે કથન સત્ય હોય તોપણ, પરમાર્થથી તેનું સર્વ કથન અસત્ય છે.
(૩) જે વચન પ્રાણીઓને પીડા આપવાના ભાવ સહિત હોય તે પણ અપ્રશસ્ત છે, પછી ભલે વચનો અનુસાર વસ્તુસ્થિતિ વિદ્યમાન હોય તોપણ તે અસત્ય છે.
(૪) પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસ્તિત્વરૂપ વસ્તુને અન્યથા કહેવી તે અસત્ય છે. વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું સ્વરૂપ નીચે પ્રમાણે છે-
દ્રવ્ય–જે સત્ છે અર્થાત્ જેની સત્તા (હોવાપણું) નિત્ય ટકી રહે છે; દ્રવ્યનું સત્ લક્ષણ છે, તે ઉત્પાદ-વ્યય-ધ્રુવપણા સહિત છે. ગુણ-પર્યાયના સમુદાયનું નામ દ્રવ્ય છે.
ક્ષેત્ર–પોતાના જે પ્રદેશમાં દ્રવ્ય સ્થિત હોય તે તેનું ક્ષેત્ર છે. કાળ–જે પર્યાયરૂપે દ્રવ્ય પરિણમે તે તેનો કાળ છે. ભાવ–દ્રવ્યની નિજશક્તિ-ગુણ તે તેનો ભાવ છે. આ ચાર પ્રકારથી દ્રવ્ય જે રીતે છે તે રીતે ન માનતાં અન્યથા માનવું એટલે કે-જીવ પોતે શરીર વગેરે પરદ્રવ્યો પણે થઈ જાય, પોતાની અવસ્થા કર્મ કે શરીર વગેરે પરદ્રવ્ય કરાવે કે કરી શકે અને પોતાના ગુણ બીજાથી થાય અગર તો દેવ- ગુરુ-શાસ્ત્રના અવલંબને ઉઘડે-ઇત્યાદિ પ્રકારે માનવું તથા તે માન્યતાનુસાર બોલવું તે અસત્યવચન છે. પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં પર વસ્તુઓ નાસ્તિરૂપ છે, તેનું પોતે કાંઈ કરી શકે એવી માન્યતાપૂર્વક બોલવું તે પણ અસત્ય છે.
(પ) આત્મા કોઈ સ્વતંત્ર પદાર્થ નથી અથવા પરલોક નથી એમ કહેવું તે અસત્ય છેઃ તે બન્ને પદાર્થો આગમથી, યુક્તિથી તેમજ અનુભવથી સિદ્ધ થઈ શકે છે, છતાં તેનું અસ્તિત્વ ન માનવું તે અસત્ય છે; અને જે રીતે આત્માનું સ્વરૂપ ન હોય તે રીતે કહેવું તે પણ અસત્યવચન છે.
(૬) બધા પાપોનું કારણ પ્રમાદ છે; પ્રમાદ અહિતનું મૂળ છે. પ્રમાદથી બોલવાવાળા જીવના સુખ-ચૈતન્યરૂપ ભાવપ્રાણનો ઘાત થાય છે, તેથી પ્રમાદથી બોલવું તે અસત્યવચન છે અને પાપ છે.