અ. ૭ સૂત્ર ૩૮ ] [ ૪૮૩
૧. અનુગ્રહ–પોતાના આત્માને અનુસરીને થતો ઉપકારનો લાભ-એમ અનુગ્રહનો અર્થ છે. પોતાના આત્માને લાભ થાય તેવા ભાવથી કરવામાં આવતું કોઈ કાર્ય બીજાને લાભમાં નિમિત્ત થાય ત્યારે તે પરનો અનુગ્રહ થયો એમ કહેવાય છે; ખરેખર અનુગ્રહ સ્વનો છે, પર તો નિમિત્તમાત્ર છે.
ધન વગેરેના ત્યાગથી ખરી રીતે પોતાને શુભભાવનો અનુગ્રહ છે, કેમ કે તેથી અશુભભાવ અટકે છે અને પોતાના લોભકષાયનો અંશે ત્યાગ થાય છે. જો તે વસ્તુ (ધન વગેરે) બીજાને લાભનું નિમિત્ત થાય તો બીજાને અનુગ્રહ (ઉપકાર) થયો એમ ઉપચારથી કહેવાય છે, પણ ખરેખર બીજાને જે ઉપકાર થયો છે તે તેના ભાવનો થયો છે. તેણે પોતાની આકુળતા મંદ કરી તેથી તેને ઉપકાર થયો, પણ જો આકુળતા મંદ ન કરે અને નારાજી કરે અથવા તો લોલુપતા કરી આકુળતા વધારે તો તેને ઉપકાર થાય નહિ. દરેક જીવને પોતાના ભાવનો ઉપકાર થાય છે. પરદ્રવ્યથી કે પર મનુષ્યથી કોઈ જીવને ઉપકાર થતો નથી.
૨. શ્રી મુનિરાજને દાન આપવાના અનુસંધાનમાં આ સૂત્ર કહેવાયું છે. મુનિને આહારનું અને ધર્મના ઉપકરણોનું દાન ભક્તિભાવપૂર્વક આપવામાં આવે છે. દાન દેવામાં પોતાનો અનુગ્રહ (-ઉપકાર) તો એ છે કે પોતાને અશુભ રાગ ટળીને શુભ થાય છે અને ધર્માનુરાગ વધે છે; અને પરનો અનુગ્રહ એ છે કે દાન લેનારા મુનિને સમ્યગ્જ્ઞાન વગેરે ગુણોની વૃદ્ધિનું નિમિત્ત થાય છે. કોઈ જીવ વડે પરનો ઉપકાર થયો એમ કહેવું તે કથન માત્ર છે.
૩. આ વાત લક્ષમાં રાખવી કે આ દાન શુભરાગરૂપ છે, તેનાથી પુણ્યનો બંધ થાય છે તેથી તે ધર્મ નથી; પોતાને પોતાના શુદ્ધસ્વભાવનું દાન તે જ ધર્મ છે. જેવો શુદ્ધસ્વભાવ છે તેવી શુદ્ધતા પર્યાયમાં પ્રગટ કરવી તેનું નામ શુદ્ધસ્વભાવનું દાન છે.
બીજાઓ દ્વારા પોતાની ખ્યાતિ, લાભ કે પૂજા થાય એવા હેતુથી જે કાંઈ આપવામાં આવે તે દાન નથી, પણ પોતાના આત્મકલ્યાણ માટે તથા પાત્ર જીવોને રત્નત્રયીની પ્રાપ્તિ માટે, રક્ષા માટે કે પુષ્ટિ માટે શુભભાવ પૂર્વક જે કાંઈ દેવામાં આવે તે દાન છે; આમાં શુભભાવ તે દાન છે, વસ્તુ દેવા-લેવાની ક્રિયા તે તો પરદ્રવ્યની ક્રિયા છે.
૪. જેનાથી પોતાને તથા પરને આત્મધર્મની વૃદ્ધિ થાય એવું દાન તે ગૃહસ્થોનું એક મુખ્ય વ્રત છે; એ વ્રતને અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. શ્રાવકોએ પ્રતિદિન કરવા યોગ્ય છ કર્તવ્યોમાં પણ દાનનો સમાવેશ થાય છે.