અ. ૮ સૂત્ર ૯ ] [ પ૦૯
આવી વ્યવસ્થા માનતાં સાતાવેદનીય પ્રકૃતિને પુદ્ગલવિપાકીપણું પ્રાપ્ત થશે! એવી આશંકા ન કરવી; કેમકે દુઃખના ઉપશમથી ઉત્પન્ન થયેલ, દુઃખના અવિનાભાવી, ઉપચારથી જ સુખ સંજ્ઞાને પ્રાપ્ત અને જીવથી અપૃથગ્ભૂત એવા સ્વાસ્થ્યના કણનો હેતુ હોવાથી સૂત્રમાં સાતાવેદનીય કર્મને જીવ-વિપાકીત્વ અને સુખ-હેતુત્વનો ઉપદેશ દેવામાં આવ્યો છે. જો એમ કહેવામાં આવે કે ઉપયુર્કત વ્યવસ્થાનુસાર તો સાતાવેદનીય કર્મને જીવ-વિપાકીપણું અને પુદ્ગલ-વિપાકીપણું પ્રાપ્ત થાય છે; (તો) તે પણ કોઈ દોષ નથી, કેમ કે જીવનું અસ્તિત્વ અન્યથા બની શકતું નથી, તેથી તે પ્રકારના ઉપદેશના અસ્તિત્વની સિદ્ધિ થઈ જાય છે. સુખ અને દુઃખના કારણભૂત દ્રવ્યોનું સંપાદન કરવાવાળું બીજું કોઈ કર્મ નથી, કેમ કે એવું કોઈ કર્મ મળતું નથી. (ધવલા ટીકા પુસ્તક ૬ પૃષ્ઠ ૩પ-૩૬) ।। ૮।।
અર્થઃ– [दर्शन चारित्रमोहनीय अकषाय कषाय कषावेदनीय आख्याः] દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, અકષાયવેદનીય અને કષાયવેદનીય એ ચાર ભેદરૂપ મોહનીયકર્મ છે, અને તેના પણ અનુક્રમે [त्रि द्वि नव षोडशभेदः] ત્રણ, બે, નવ અને સોળ ભેદ છે. તે આ પ્રમાણે [सम्यक्त्व मिथ्यात्व तदुभयानि] સમ્યક્ત્વમોહનીય, મિથ્યાત્વમોહનીય અને સમ્યગ્મિથ્યાત્વમોહનીય આ ત્રણ ભેદ દર્શનમોહનીયના છે; [अकषायकषायौ] અકષાય વેદનીય અને કષાયવેદનીય-આ બે ભેદ ચારિત્ર મોહનીયના છે; [हास्य रति अरति शोक भय जुगुप्सा स्त्री पुं नपुंसकवेदाः] હાસ્ય, રતિ અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ-આ નવ ભેદ અકષાયવેદનીયના છે; અને [अनंतानुबंधी अप्रत्याख्यान प्रत्याख्यान संज्वलन विकल्पाः च] અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન તથા સંજ્વલનના ભેદથી તથા [एकशः क्रोध मान माया लोभाः] એ દરેકના ક્રોધ, માન, માયા તથા લોભ એ ચાર પ્રકાર-એ સોળ ભેદ કષાય વેદનીયના છે. આ રીતે કુલ અઠ્ઠાવીસ ભેદ મોહનીયકર્મના છે.
નોંધઃ– અકષાયવેદનીય અને કષાયવેદનીય એ બેનો સમાવેશ ચારિત્રમોહમાં થઈ જાય છે તેથી તેમને ગણતરીમાં જુદા લેવામાં આવ્યા નથી.