Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 510 of 655
PDF/HTML Page 565 of 710

 

પ૧૦ ] [ મોક્ષશાસ્ત્ર

ટીકા

૧. મોહનીયકર્મના મુખ્ય બે ભેદ છે- દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય, જીવનો મિથ્યાત્વભાવ એ જ સંસારનું મૂળ છે તેમાં નિમિત્ત મિથ્યાત્વમોહનીયકર્મ છે; તે દર્શનમોહનીયનો એક ભેદ છે. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે- મિથ્યાત્વપ્રકૃતિ, સમ્યક્ત્વપ્રકૃતિ અને સમ્યક્ મિથ્યાત્વપ્રકૃતિ. આ ત્રણમાંથી બંધ એક મિથ્યાત્વપ્રકૃતિનો જ થાય છે. જીવનો એવો કોઈ ભાવ નથી કે જેનું નિમિત્ત પામીને સમ્યક્ત્વમોહનીયપ્રકૃતિ કે સમ્યક્ મિથ્યાત્વમોહનીયપ્રકૃતિ બંધાય; જીવને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ થવાના કાળમાં (-ઉપશમ કાળમાં) મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ટુકડા થઈ જાય છે, તેમાંથી એક મિથ્યાત્વરૂપે રહે છે. એક સમ્યક્ત્વપ્રકૃતિરૂપે થાય છે અને એક સમ્યગ્મિથ્યાત્વપ્રકૃતિરૂપે થાય છે. ચારિત્રમોહનીયના પચીસ ભેદ છે તેનાં નામ સૂત્રમાં જ જણાવ્યાં છે. એ રીતે બધાં મળીને ૨૮ ભેદ મોહનીયકર્મના છે.

૨. આ સૂત્રમાં આવેલ શબ્દોના અર્થ જૈનસિદ્ધાંતપ્રવેશિકામાંથી જોઈ લેવા. ૩. અહીં હાસ્યાદિક નવને અકષાયવેદનીય કહેલ છે; તેને નોકષાયવેદનીય પણ કહેવાય છે.

૪. અનંતાનુબંધીનો અર્થ–અનંત મિથ્યાત્વ, સંસાર; અનુબંધી તેને અનુસરીને બંધાય તે. મિથ્યાત્વને અનુસરીને જે કષાય બંધાય છે તેને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભની વ્યાખ્યા નીચે મુજબ છે.

(૧) આત્માના શુદ્ધસ્વરૂપની અરુચિ તે અનંતાનુબંધી ક્રોધ છે. (ર) ‘હું પરનું કરી શકું’ એવી માન્યતા પૂર્વક જે અહંકાર તે અનંતાનુબંધી

માન-અભિમાન છે.

(૩) પોતાનું સ્વાધીનસ્વરૂપ ન સમજાય એવી આડ મારીને વિકારીદશા વડે

આત્માને ઠગવો તે અનંતાનુબંધી માયા છે.

(૪) પુણ્યાદિ વિકારથી લાભ માનીને પોતાની વિકારીદશાને વધાર્યા કરવી તે

અનંતાનુબંધી લોભ છે.

અનંતાનુબંધી કષાય આત્માના સ્વરૂપાચરણ ચારિત્રને રોકે છે. શુદ્ધાત્માના અનુભવને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવાય છે. તેની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે અને ચૌદમા ગુણસ્થાને તેની પૂર્ણતા થઈને સિદ્ધદશા પ્રગટે છે. ।। ।।