પ૩૨ ] [ મોક્ષશાસ્ત્ર
૨. અહીં જે તપ કહ્યું છે તે સમ્યક્તપ છે, કેમ કે તે તપ જ સંવર નિર્જરાનું કારણ છે. સમ્યગ્દ્રષ્ટિ જીવને જ સમ્યક્તપ હોય છે. મિથ્યાદ્રષ્ટિના તપને બાળતપ કહેવામાં આવે છે અને તે આસ્રવ છે, એમ અ. ૬ સૂ. ૧ર ની ટીકામાં કહ્યું છે. તે સૂત્રમાં આપેલા ‘આદિ’ શબ્દમાં બાળતપનો સમાવેશ થાય છે. જેઓ સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાનથી રહિત છે એવા જીવો ગમે તેટલું તપ કરે તોપણ તેના બધા તપને બાળતપ (અર્થાત્ અજ્ઞાનતપ, મૂર્ખતાવાળો તપ) કહેવાય છે (જુઓ, સમયસાર, ગાથા ૧પ૨, પા. ૧૯૮). સમ્યગ્દર્શન પૂર્વકના તપને ઉત્તમ તપ તરીકે આ અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં વર્ણવ્યો છે.
શ્રી પ્રવચનસાર, ગાથા ૧૪ માં તપનો અર્થ આ પ્રમાણે આપ્યો છે- ‘स्वरूपविश्रांतनिस्तरंगचैतन्यप्रतपनाच्च तपः અર્થાત્ સ્વરૂપમાં વિશ્રાંત, તરંગ વિનાના ચૈતન્યનું પ્રતપન તે તપ છે.
(૧) ઘણા જીવો અનશનાદિને તપ માને છે અને તે તપથી નિર્જરા માને છે, પણ બાહ્ય તપથી નિર્જરા થાય નહિ. નિર્જરાનું કારણ તો શુદ્ધોપયોગ છે. શુદ્ધોપયોગમાં જીવની રમણતા થતાં અનશન વગેરે ‘શુભ-અશુભ ઇચ્છાનો નિરોધ થાય છે’ તે સંવર છે. જો બાહ્ય દુઃખ સહન કરવું તે નિર્જરા હોય તો તિર્યંચાદિક પણ ભૂખ-તરસાદિક દુઃખ સહન કરે છે તેથી તેને પણ નિર્જરા થાય.
(ર) પ્રશ્નઃ– તિર્યંચાદિક તો પરાધીનપણે ભૂખ-તરસાદિ સહન કરે છે, પણ જે સ્વાધીનપણે ધર્મબુદ્ધિથી ઉપવાસાદિરૂપ તપ કરે તેને તો નિર્જરા થાય ને?
ઉત્તરઃ– ધર્મબુદ્ધિથી બાહ્ય ઉપવાસાદિક તો કરે પણ ત્યાં ઉપયોગ અશુભ, શુભ કે શુદ્ધરૂપ જેમ પરિણમે તે અનુસાર જ બંધ કે નિર્જરા થાય છે. જો અશુભ કે શુભરૂપ ઉપયોગ હોય તો બંધ થાય છે અને સમ્યગ્દર્શનપૂર્વક શુદ્ધોપયોગ હોય તો ધર્મ થાય છે. જો બાહ્ય ઉપવાસથી નિર્જરા થતી હોય તો ઘણા ઉપવાસાદિ કરતાં ઘણી નિર્જરા થાય અને થોડા કરતાં થોડી થાય-એવો નિયમ ઠરે, તથા નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસાદિ જ ઠરે. પણ એમ તો બને નહિ; કેમકે બાહ્ય ઉપવાસાદિ કરવા છતાં જો દ્રુષ્ટપરિણામ કરે તો તેને નિર્જરા કેમ થાય? આથી એમ સિદ્ધ થાય છે કે અશુભ, શુભ કે શુદ્ધરૂપે જેવો ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ કે નિર્જરા થાય છે; તેથી ઉપવાસાદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ નથી, પણ અશુભ તથા શુભ પરિણામ એ બન્ને બંધનાં કારણ છે અને શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ છે.