Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 6 of 655
PDF/HTML Page 61 of 710

 

મંગળાચરણ] [

૧- આ અધ્યાયમાં મોક્ષનો ઉપાય અને જીવના જ્ઞાનની અવસ્થાઓનું વર્ણન છે.
ર- આ અધ્યાયમાં જીવના ભાવો, લક્ષણ અને જીવનો શરીર સાથેનો
સંબંધ-તેનું વર્ણન છે.
૩-૪- વિકારી જીવને રહેવાનાં ક્ષેત્રો; એ પ્રમાણે પહેલા ચાર અધ્યાયોમાં
પ્રથમ જીવતત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે.
પ- આ અધ્યાયમાં બીજા અજીવતત્ત્વનું વર્ણન છે.
૬-૭- આ અધ્યાયોમાં જીવના નવા વિકારીભાવો (આસ્રવો) તથા તેનું
નિમિત્ત પામીને જીવને સૂક્ષ્મ જડ કર્મ સાથે થતો સંબંધ જણાવ્યો છે; એ
રીતે ત્રીજા આસ્રવતત્ત્વનું વર્ણન કર્યું છે.
૮- આ અધ્યાયમાં જીવને જડ કર્મ સાથે કેવા પ્રકારે બંધ થાય છે અને જડ

કર્મ કેટલો વખત જીવ સાથે રહે છે તે જણાવ્યું છે; એ રીતે ચોથા બંધતત્ત્વનું આ અધ્યાયમાં વર્ણન કર્યું છે.

૯- આ અધ્યાયમાં-જીવને અનાદિથી નહિ થયેલ ધર્મની શરૂઆત સંવરથી થાય

છે, જીવની આ અવસ્થા થતાં તેને સાચા સુખની શરૂઆત થાય છે અને ક્રમેક્રમે શુદ્ધિ વધતાં વિકાર ટળે છે તેથી નિર્જરા એટલે કે જડ કર્મ સાથેના બંધનો અંશે અંશે અભાવ થાય છે-એ જણાવ્યું છે; એ રીતે પાંચમું અને છઠ્ઠું એટલે સંવર અને નિર્જરાતત્ત્વ નવમા અધ્યાયમાં જણાવ્યાં છે.

૧૦- જીવની શુદ્ધિની પૂર્ણતા, સર્વ દુઃખોથી અવિનાશી મુક્તિ અને સંપૂર્ણ

પવિત્રતા તે મોક્ષતત્ત્વ હોવાથી આચાર્ય ભગવાને સાતમું મોક્ષતત્ત્વ આ અધ્યાયમાં જણાવ્યું છે.

(૮) મંગલાચરણમાં ભગવાનને ‘કર્મરૂપી પર્વતોના ભેદનાર’ કહ્યા છે. કર્મ બે પ્રકારના છેઃ- ૧-ભાવકર્મ, ર-દ્રવ્યકર્મ. જીવ જ્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી ભાવકર્મરૂપી પર્વતોને ટાળે છે ત્યારે દ્રવ્યકર્મ સ્વયં પોતાથી ટળી જાય છે નાશ પામે છે એવો જીવની શુદ્ધતાને અને કર્મના ક્ષયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે- એમ અહીં બતાવ્યું છે. જીવ જડ કર્મનો પરમાર્થે નાશ કરી શકે છે-એમ કહેવાનો હેતુ નથી.

(૯) મંગલાચરણમાં નમસ્કાર કરતાં તીર્થંકર ભગવાન પાસે દેવાગમન, સમોસરણ, ચામર, દિવ્ય શરીરાદિ જે પુણ્યની વિભૂતિ છે તે લીધી નથી, કેમકે પુણ્ય તે ગુણ નથી.

(૧૦) મંગલાચરણમાં ગુણથી ઓળખાણ કરીને ભગવાનને નમસ્કાર કર્યા છે. એટલે કે-ભગવાન વિશ્વના અર્થાત્ બધા તત્ત્વોના જાણનાર છે, મોક્ષમાર્ગના નેતા છે અને તેમણે સર્વ વિકારનો (દોષનો) નાશ કર્યો છે-એમ ભગવાનના ગુણોનું સ્વરૂપ બતાવી ગુણોની ઓળખાણ કરીને તેમની સ્તુતિ કરી છે.