પ૬૦] [ મોક્ષશાસ્ત્ર
(૬) શંકાઃ– દેવ વગેરેને તો આહાર જ એવો છે કે ઘણા કાળની ભૂખ મટી જાય, પણ કેવળી ભગવાનને આહાર વિના શરીર કેવી રીતે પુષ્ટ રહે?
સમાધાનઃ– ભગવાનને અસાતાનો ઉદય મંદ હોય છે તથા સમયે સમયે પરમ ઔદારિક શરીરવર્ગણાઓનું ગ્રહણ થાય છે. તેથી એવી નોકર્મવર્ગણાઓનું ગ્રહણ થાય છે કે જેથી તેમને ક્ષુધાદિક વ્યાપતા જ નથી, શરીર શિથિલ થતું જ નથી.
(૭) વળી અન્ન વગેરેનો આહાર જ શરીરની પુષ્ટતાનું મુખ્ય કારણ નથી. પ્રત્યક્ષ જુઓ કે, કોઈ થોડો આહાર કરે છે છતાં શરીર ઘણું પુષ્ટ હોય છે અને કોઈ ઘણો આહાર કરે છે છતાં શરીર ક્ષીણ રહે છે.
પવનાદિક સાધવાવાળા ઘણા કાળ સુધી આહાર લેતા નથી છતાં તેમનું શરીર પુષ્ટ રહે છે અને ઋદ્ધિધારી મુનિઓ ઘણા ઉપવાસ કરે છતાં તેમનું શરીર પુષ્ટ રહે છે. તો પછી કેવળી ભગવાનને તો સર્વોત્કૃષ્ટપણું છે એટલે તેમને અન્નાદિક વિના પણ શરીર પુષ્ટ બન્યું રહે તેમાં શું આશ્ચર્ય છે?
(૮) વળી કેવળીભગવાન કેવી રીતે આહાર માટે જાય તથા કેવી રીતે યાચના કરે? તેઓ આહાર અર્થે જાય ત્યારે સમવસરણ ખાલી કેમ રહે? અથવા તો કોઈ અન્ય તેમને આહાર લાવી આપે એમ માનીએ તો તેમના મનની વાત કોણ જાણે? અને પૂર્વે ઉપવાસાદિકની પ્રતિજ્ઞા કરી હતી તેનો નિર્વાહ કેવી રીતે થાય? વળી જીવ-અંતરાય સર્વત્ર ભાસે ત્યાં કેવી રીતે આહાર કરે? માટે કેવળીને આહાર માનવો તે વિરુદ્ધતા છે.
(૯) વળી કોઈ એમ કહે કે ‘તેઓ આહાર ગ્રહે છે, પરંતુ કોઈને દેખાતો નથી એવો અતિશય છે. ‘તો તે પણ મિથ્યા છે; કેમ કે આહાર ગ્રહણ નો નિંદ્ય ઠર્યું; તેને ન દેખે એવો અતિશય ગણીએ તોપણ તે આહારગ્રહણનું નિંદ્યપણું રહે. વળી ભગવાનના પુણ્યના કારણે બીજાના જ્ઞાનનો ક્ષયોપશમ શી રીતે અવરાઈ જાય? માટે ભગવાનને આહાર માનવો અને બીજા તે ન દેખે એવો અતિશય માનવો એ બન્ને ન્યાયવિરુદ્ધ છે.
પ. કર્મસિદ્ધાંત પ્રમાણે કેવળીને અન્નાહાર હોય જ નહિ.
(૧) અસાતાવેદનીયની ઉદીરણા હોય ત્યારે ક્ષુધા ઉપજે છે, તે વેદનીયની ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાન પર્યંત જ છે, તેથી ઉપર નથી. તેથી વેદનીયની ઉદીરણા વગર કેવળીને ક્ષુધાદિ બાધા ક્યાંથી હોય?
(૨) જેમ નિદ્રા, પ્રચલા એ બે દર્શનાવરણ પ્રકૃતિનો ઉદય બારમા ગુણસ્થાન પર્યંત છે પરંતુ ઉદીરણા વગર નિદ્રા વ્યાપે નહિ. વળી જો નિદ્રાકર્મના ઉદયથી જ