Moksha Shastra (Gujarati). Sutra: 35 (Chapter 9).

< Previous Page   Next Page >


Page 582 of 655
PDF/HTML Page 637 of 710

 

અ. ૯ સૂત્ર ૩પ ] [ પ૮૩ ચાર પ્રકારના જીવોને આર્ત્તધ્યાન હોય છે- (૧) મિથ્યાદ્રષ્ટિ (૨) સમ્યગ્દ્રષ્ટિ- અવિરતિ (૩) દેશવિરત અને (૪) પ્રમત સંયત. મિથ્યાદ્રષ્ટિને સૌથી ખરાબ આર્ત્તધ્યાન હોય છે અને ત્યારપછી પ્રમત્તસંયત સુધી તે ક્રમેક્રમે મંદ થતું જાય છે. છઠ્ઠા ગુણસ્થાન પછી આર્ત્તધ્યાન હોતું નથી.

મિથ્યાદ્રષ્ટિ જીવ પર વસ્તુના સંયોગ-વિયોગને આર્ત્તધ્યાનનું કારણ માને છે, તેથી તેને આર્ત્તધ્યાન ખરેખર મંદ પણ થતું નથી. સમ્યગ્દ્રષ્ટિ જીવોને આર્ત્તધ્યાન કવચિત થાય છે અને તેનું કારણ તેઓના પુરુષાર્થની નબળાઈ છે; તેથી તેઓ પોતાનો પુરુષાર્થ વધારીને ક્રમે ક્રમે આર્ત્તધ્યાનનો અભાવ કરીને છેવટે તેનો સર્વથા નાશ કરે છે. મિથ્યાદ્રષ્ટિ જીવને પોતાના જ્ઞાનસ્વભાવની અરુચિ છે તેથી તેને સર્વત્ર નિરંતર દુઃખમય એવું આર્ત્તધ્યાન વર્તે છે; સમ્યગ્દ્રષ્ટિને પોતાના જ્ઞાનસ્વભાવની અખંડ રુચિ વર્તે છે, તેથી તેને નિત્ય ધર્મધ્યાન વર્તે છે, માત્ર પુરુષાર્થની નબળાઈથી કોઈક વખત અશુભભાવરૂપ આર્ત્તધ્યાન હોય છે, પણ તે મંદ હોય છે. ।। ૩૪।।

રૌદ્રધ્યાનના ભેદ અને સ્વામી
हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्योरौद्रमविरतदेशविरतयोः।। ३५।।

અર્થઃ– [हिंसा अनृत स्तेय विषयसंरक्षणभ्यो] હિંસા, અસત્ય, ચોરી અને વિષય-સંરક્ષણના ભાવથી ઉત્પન્ન થતું ધ્યાન [रौद्रम्] રૌદ્ર ધ્યાન છે, આ ધ્યાન [अविरत देशविरतयोः] અવિરત અને દેશવિરત (પહેલેથી પાંચ) ગુણસ્થાનોએ હોય છે.

ટીકા

ક્રૂર પરિણામોથી જે ધ્યાન થાય છે તે રૌદ્રધ્યાન છે. નિમિત્તના ભેદની અપેક્ષાએ રૌદ્રધ્યાનના ચાર પ્રકાર પડે છે. તે નીચે પ્રમાણે-

૧. હિંસાનંદી– હિંસામાં આનંદ માની તેના સાધન મેળવવામાં તલ્લીન રહેવું તે. ૨. મૃષાનંદી– અસત્ય બોલવામાં આનંદ માની તેનું ચિંતવન કરવું તે. ૩. ચૌર્યાનંદી– ચોરીમાં આનંદ માની તેનું ચિંતવન કરવું તે. ૪. પરિગ્રહાનંદી– પરિગ્રહની રક્ષાની ચિંતા કરવામાં તલ્લીન થઈ જવું તે.।। ૩પ।।