૬૦૨ ] [ મોક્ષશાસ્ત્ર સાધવાયોગ્ય પદાર્થ નથી. આ જગતમાં બે જ માર્ગ છે-મોક્ષમાર્ગ અને સંસારમાર્ગ.
૭. સમ્યક્ત્વ તે મોક્ષમાર્ગનું મૂળ છે અને મિથ્યાત્વ તે સંસારમાર્ગનું મૂળ છે. જેઓ સંસારમાર્ગથી વિમુખ થાય તે જીવો જ મોક્ષમાર્ગ (અર્થાત્ ધર્મ) પામી શકે છે. સમ્યગ્દર્શન વગર જીવને સંવર-નિર્જરા થાય નહીં; તેથી બીજા સૂત્રમાં સંવરના કારણો જણાવતાં તેમાં પ્રથમ ગુપ્તિ જણાવ્યા પછી બીજાં કારણો કહ્યાં છે.
૮. એ ખાસ ધ્યાનમાં રાખવાયોગ્ય છે કે આ શાસ્ત્રમાં આચાર્ય મહારાજે મહાવ્રતો કે દેશવ્રતોને સંવરના કારણો તરીકે ગણાવ્યાં નથી; કેમ કે સાતમા અધ્યાયના પહેલા સૂત્રમાં જણાવ્યા પ્રમાણે તે શુભાસ્રવ છે. મહાવ્રત તે સંવરનું કારણ નથી એમ ૧૮ મા સૂત્રની ટીકામાં જણાવ્યું છે.
૯. ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા, દશ પ્રકારના ધર્મ, પરિષહજય અને ચારિત્ર એ સર્વે સમ્યગ્દર્શન વગર હોય નહિ-એમ સમજાવવા માટે ચોથા સૂત્રમાં ‘सम्यक्’ શબ્દ વાપરવામાં આવ્યો છે.
૧૦. ધર્મના દસ પ્રકાર છઠ્ઠા સૂત્રમાં બતાવ્યા છે. તેમાં ‘उतम’ વિશેષણ વાપર્યું છે; તે એમ સૂચવે છે કે તે ધર્મના પ્રકારો સમ્યગ્દર્શનપૂર્વક જ હોઈ શકે. ત્યાર પછી અનુપ્રેક્ષાનું સ્વરૂપ સાતમા સૂત્રમાં અને પરિષહજયનું સ્વરૂપ ૮ થી ૧૭ સુધીના સૂત્રોમાં કહ્યું છે. નોકર્મ અને બીજી બાહ્ય વસ્તુઓની જે અવસ્થાને લોકો પ્રતિકૂળ ગણે છે તેને અહીં પરિષહ કહેવામાં આવ્યા છે. આઠમા સૂત્રમાં ‘परिसोढव्याः’ શબ્દ વાપરીને તે પરિષહોને સહન કરવાનો ઉપદેશ આપ્યો છે. નિશ્ચયથી પરિષહ શું છે અને ઉપચારથી પરિષહ શું કહેવાય-એ નહિ જાણનારા જીવો સૂત્ર ૧૦-૧૧ નો આશ્રય લઈ (-કુતર્ક વડે) એમ માને છે કે-‘કેવળીભગવાનને ક્ષુધા અને તૃષાના વ્યાધિરૂપ નિશ્ચયપરિષહ હોય છે, અને છદ્મસ્થ રાગી જીવોની માફક કેવળીભગવાન પણ ક્ષુધા અને તૃષાનો વ્યાધી ટાળવા અશન-પાન ગ્રહણ કરે છે. અને રાગી જીવોની માફક ભગવાન પણ અતૃપ્ત રહે છે.’ પરંતુ તેમની એ માન્યતા ખોટી છે. સાતમા ગુણસ્થાનથી જ આહારસંજ્ઞા હોતી નથી (ગોમ્મટસાર જીવકાંડ ગાથા-૧૩૯ મોટી ટીકા. પા. ૩પ૧-૩પ૨). એમ છતાં જેઓ ભગવાનને અશન-પાન માને છે તેઓ ભગવાનને આહારસંજ્ઞાથી પણ પર થયેલા માનતા નથી (જુઓ, સૂત્ર ૧૦-૧૧ ની ટકા)
૧૧. ભગવાન જ્યારે મુનિપદે હતા ત્યારે તો કરપાત્રી હોવાથી પોતે જ આહાર માટે નીકળતા અને દાતાર શ્રાવક જો યોગ્ય ભક્તિ-પૂર્વક તે વખતે વિનંતિ કરે તો ઊભા રહી કરપાત્રમાં તેઓ આહાર લેતા. પરંતુ વીતરાગી થયા પછી પણ અસહ્ય વેદનાના કારણે ભગવાન આહાર લે છે એમ જેઓ માને છે તેઓને ‘ભગવાનને કોઈ