Moksha Shastra (Gujarati).

< Previous Page   Next Page >


Page 607 of 655
PDF/HTML Page 662 of 710

 

૬૦૮ ] [ મોક્ષશાસ્ત્ર તેનો પરમાર્થ (-ભૂતાર્થ, સાચો) અર્થ શું થાય છે તે બરાબર સમજીને શાસ્ત્રકારના કથનના મર્મને જાણી લેવો જોઈએ, પરંતુ ભાષાના શબ્દોને વળગવું ન જોઈએ.

૬. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ મોક્ષ કેમ થતો નથી?

(૧) પ્રશ્નઃ– કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતે મોક્ષના કારણભૂત રત્નત્રયની પૂર્ણતા જઈ જાય છે તો પછી તે જ સમયે મોક્ષ થવો જોઈએ; આ રીતે, જે સંયોગી તથા અયોગી કેવળીનાં બે ગુણસ્થાનો કહ્યાં છે તે રહેવાનો કોઈ સમય જ રહેતો નથી?

ઉત્તરઃ– કેવળજ્ઞાનની ઉત્પત્તિ વખતે જો કે યથાખ્યાતચારિત્ર થઈ ગયું છે તોપણ હજી પરમયથાખ્યાતચારિત્ર થયું નથી. કષાય અને યોગ અનાદિથી અનુસંગી હોવા છતાં પ્રથમ કષાયનો નાશ થાય છે; તેથી કેવળી ભગવાનને વીતરાગતારૂપ યથાખ્યાતચારિત્ર પ્રગટયું હોવા છતાં પણ યોગના વ્યાપારનો નાશ થયો નથી. યોગનો વ્યાપાર તે ચારિત્રને દૂષણ ઉત્પન્ન કરનારો છે. તે યોગના વિકારની ક્રમેક્રમે ભાવનિર્જરા થાય છે તે યોગના વ્યાપારની સંપૂર્ણ ભાવનિર્જરા થઈ જતાં સુધી તેરમું ગુણસ્થાન રહે છે. યોગનો વ્યાપાર બંધ પડયા પછી પણ કેટલાક વખત સુધી અવ્યાબાધ, નિર્નામ (નામરહિતપણું), અનાયુષ્ય (આયુષ્યરહિતપણું) અને નિર્ગોત્ર- એ ધર્મો પ્રગટ થતાં નથી; તેથી ચારિત્રમાં દૂષણ રહે છે. ચૌદમા ગુણસ્થાનના છેલ્લા સમયનો વ્યય થતાં તે દોષનો અભાવ થઈ જાય છે અને તે જ સમયે પરમ યથાખ્યાતચારિત્ર પ્રગટ થતાં અયોગીજિન મોક્ષરૂપ અવસ્થા ધારણ કરે છે; એ રીતે, મોક્ષ, અવસ્થા પ્રગટયા પહેલાં સયોગીકેવળી અને અયોગીકેવળી એવા બે ગુણસ્થાનો દરેક કેવળીભગવાનને હોય છે.

(૨) પ્રશ્નઃ– જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય તે જ વખતે મોક્ષ અવસ્થા પ્રગટ થઈ જાય એમ માનીએ તો શું દોષ આવે?

ઉત્તરઃ– તેમ થતાં નીચેના દોષો આવે- ૧- જીવમાં યોગગુણનો વિકાર હોવા છતાં, તેમજ બીજુ (અવ્યાબાધ આદિ) ગુણોમાં વિકાર હોવા છતાં, અને પરમયથાખ્યાતચારિત્ર પ્રગટ થયા સિવાય જીવની સિદ્ધદશા પ્રગટ થઈ જાય, કે જે અશક્ય છે.

૨-જો કેવળજ્ઞાન પ્રગટ થાય તે જ સમયે સિદ્ધદશા પ્રગટ થઈ જાય તો ધર્મતીર્થ જ રહે નહિ; જો અરિહંતદશા જ ન રહે તો કોઈ સર્વજ્ઞ ઉપદેશક - આપ્તપુરુષ થાય જ નહિ. તેનું પરિણામ એ આવે કે ભવ્ય જીવો પોતાના પુરુષાર્થથી ધર્મ પામવા લાયક પર્યાય પ્રગટ કરવા તૈયાર હોય છતાં તેને નિમિત્તરૂપ સત્યધર્મના ઉપદેશનો (-દિવ્યધ્વનિનો) સંયોગ ન થાય એટલે કે ઉપાદાન નિમિત્તનો મેળ તૂટી જાય. આ પ્રમાણે બની શકે