૧. દરેક દ્રવ્ય ત્રિકાળી પર્યાયોનો પિંડ છે અને તેથી તે ત્રણેકાળના વર્તમાન પર્યાયોને લાયક છે; અને પર્યાય એક એક સમયનો છે; તેથી દરેક દ્રવ્ય દરેક સમયે તે તે સમયના પર્યાયને લાયક છે; અને તે તે સમયનો પર્યાય તે તે સમયે થવા લાયક હોવાથી થાય છે; કોઈ દ્રવ્યનો પર્યાય આઘો-પાછો થતો જ નથી.
૨. માટીદ્રવ્ય (-માટીના પરમાણુઓ) પોતાના ત્રણે કાળના પર્યાયોને લાયક છે, છતાં ત્રણે કાળે એક ઘડો થવાની જ તેમાં લાયકાત છે એમ માનવામાં આવે તો, માટી દ્રવ્ય એક પર્યાય પૂરતું જ થઈ જાય અને તેના દ્રવ્યપણાનો નાશ થાય.
૩. માટીદ્રવ્ય ત્રણે કાળે ઘડો થવાને લાયક છે એમ કહેવામાં આવે છે તે, પરદ્રવ્યોથી માટીને જુદી પાડીને એમ બતાવવા માટે છે કે માટી સિવાય બીજા દ્રવ્યો માટીનો ઘડો થવાને કોઈ કાળે લાયક નથી. પરંતુ જે વખતે માટીદ્રવ્યનો તથા તેના પર્યાયની લાયકાતનો નિર્ણય કરવાનો હોય ત્યારે, ‘માટીદ્રવ્ય ત્રણે કાળે ઘડો થવાને લાયક છે’ એમ માનવું તે મિથ્યા છે; કેમ કે તેમ માનતાં; માટીદ્રવ્યના બીજા જે પર્યાયો થાય છે તે પર્યાયો થવાને માટીદ્રવ્ય લાયક નથી, તોપણ થાય છે-એમ થયું કે જે સર્વથા ખોટું છે.
૪. ઉપરનાં કારણોને લીધે, ‘માટી દ્રવ્ય ત્રણેકાળ ઘડો થવાને લાયક છે અને કુંભાર ન આવે ત્યાં સુધી ઘડો થતો નથી’ એમ માનવું તે મિથ્યા છે; પણ માટી દ્રવ્યનો પર્યાય જે સમયે ઘડાપણે થવાને લાયક છે તે એક સમયની જ લાયકાત હોવાથી તે જ સમયે ઘડા-રૂપ પર્યાય થાય, આઘો-પાછો થાય નહિ; અને તે વખતે કુંભાર વગરે નિમિત્તો સ્વયં યોગ્ય સ્થળે હોય જ.
પ. દરેક દ્રવ્ય પોતે જ પોતાના પર્યાયનો સ્વામી હોવાથી તેનો પર્યાય તે તે સમયની લાયકાત પ્રમાણે સ્વયં થયા જ કરે છે; એ રીતે દરેક દ્રવ્યનો પોતાનો પર્યાય દરેક સમયે તે તે દ્રવ્યને જ આધીન છે, બીજા કોઈ દ્રવ્યને આધીન તે પર્યાય નથી.