ગુજરાતી ટીકાઃ પરિશિષ્ટ-૨ ] [ ૬૩૭
૬. જીવદ્રવ્ય ત્રિકાળ પર્યાયનો પિંડ છે. તેથી તે ત્રિકાળ વર્તમાન પર્યાયોને લાયક છે. અને પ્રગટ પર્યાય એક સમયનો હોવાથી તે તે પર્યાયને લાયક છે.
૭. જો એમ ન માનવામાં આવે તો, એક પર્યાય પૂરતું જ દ્રવ્ય થઈ જાય. દરેક દ્રવ્ય પોતાના પર્યાયનો સ્વામી હોવાથી તેનો વર્તમાન વર્તતો એક એક સમયનો પર્યાય છે તે, તે દ્રવ્યને હાથ છે-આધીન છે.
૮. જીવને ‘પરાધીન’ કહેવામાં આવે છે તેનો અર્થ ‘પર દ્રવ્યો તેને આધીન કરે છે અથવા તો પરદ્રવ્યો તેને પોતાનું રમકડું બનાવે છે’ એમ નથી, પણ તે તે સમયનો પર્યાય જીવ પોતે પર દ્રવ્યના પર્યાયને આધીન થઈ કરે છે. પરદ્રવ્યો કે તેનો કોઈ પર્યાય જીવને કદી પણ આશ્રય આપી શકે, તેને રમાડી શકે, હેરાન કરી શકે કે સુખી-દુઃખી કરી શકે-એ માન્યતા જૂઠ્ઠી છે.
૯. દરેક દ્રવ્ય સત્ છે, માટે તે દ્રવ્યે, ગુણે ને પર્યાયે પણ સત્ છે અને તેથી તે હંમેશા સ્વતંત્ર છે. જીવ પરાધીન થાય છે તે પણ સ્વતંત્રપણે પરાધીન થાય છે. કોઈ પરદ્રવ્ય કે તેનો પર્યાય તેને પરાધીન કે પરતંત્ર બનાવતાં નથી.
૧૦. એ રીતે શ્રી વીતરાગદેવોએ સંપૂર્ણ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે.