૧. આ જગતમાં જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ એ છ દ્રવ્યો અનાદિ અનંત છે, તેને ટૂંકામાં ‘વિશ્વ’ કહેવાય છે. (અધ્યાય-પ).
ર. તેઓ સત્ હોવાથી તેમના કોઈ કર્તા નથી, કે તેમના કોઈ નિયામક નથી, પણ વિશ્વના તે દરેક દ્રવ્યો પોતે સ્વતંત્રપણે નિત્ય ટકીને સમયે સમયે પોતાની નવી અવસ્થા પ્રગટ કરે છે અને જૂની અવસ્થા ટાળે છે (અ. પ સૂ. ૩૦)
૩. તે છ દ્રવ્યોમાંથી જીવ સિવાયના પાંચ દ્રવ્યો જડ છે તેમનામાં જ્ઞાન, આનંદ ગુણ નહિ હોવાથી તેઓ સુખી-દુઃખી નથી; જીવોમાં જ્ઞાન, આનંદ ગુણ છે પણ તેઓ પોતાની ભૂલથી અનાદિથી દુઃખી થઈ રહ્યા છે; તેમાં જે જીવો મનવાળાં છે તેઓ હિત-અહિતની પરીક્ષા કરવાની શક્તિ ધરાવતા હોવાથી તેમને દુઃખ ટાળી અવિનાશી સુખ પ્રગટ કરવાનો ઉપદેશ જ્ઞાનીઓએ આપ્યો છે.
૪. શરીરની ક્રિયા, પર જીવોની દયા, દાન, વ્રત વગેરે સુખનો ઉપાય હોવાનું અજ્ઞાની જીવો માને છે, તે ઉપાયો ખોટા છે એમ જણાવવા આ શાસ્ત્રમાં સૌથી પહેલાં જ ‘સમ્યગ્દર્શન સુખનું મૂળ કારણ છે’ એમ જણાવ્યું છે. સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી તે જીવને સમ્યક્ચારિત્ર પ્રગટ થયા વિના રહેતું જ નથી.
પ. જીવ જ્ઞાતા-દ્રષ્ટા છે અને તેનો વ્યાપાર કે જેને ઉપયોગ કહેવામાં આવે છે તે તેનું લક્ષણ છે; રાગ, વિકાર, પુણ્ય, વિકલ્પ, કરુણા વગેરે જીવનું લક્ષણ નથી-એમ તેમાં ગર્ભિતપણે કહ્યું છે (અ. ર સૂ. ૮).
૬. દયા, દાન, અણુવ્રત, મહાવ્રત, મૈત્રી આદિ ચાર ભાવના વગેરે શુભભાવો તેમ જ હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મચર્ય, પરીગ્રહ વગેરે અશુભભાવો આસ્રવનાં કારણો છે-એમ કહીને પુણ્ય-પાપ બન્નેને આસ્રવ તરીકે વર્ણવ્યા છે (અ. ૬ તથા ૭).
૭. મિથ્યાદર્શન તે સંસારનું મૂળ છે, એમ અ. ૮. સૂ. ૧ માં જણાવ્યું છે. તથા બંધનાં બીજાં કારણો અને બંધના પ્રકારોનું સ્વરૂપ પણ જણાવ્યું છે.