Moksha Shastra (Gujarati). End.

< Previous Page   Next Page >


Page 641 of 655
PDF/HTML Page 696 of 710

 

૬૪૨ ] [ મોક્ષશાસ્ત્ર

૮. સંસારનું મૂળ કારણ મિથ્યાદર્શન છે, તે સમ્યગ્દર્શન વડે જ ટળી શકે, તે સિવાય ઉત્કૃષ્ટ શુભભાવ વડે પણ તે ટળી શકે નહિ. સંવર-નિર્જરારૂપ ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે. તે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી અંશેઅંશે શુદ્ધિ પ્રગટતાં શ્રાવકદશા તથા મુનિદશા કેવી હોય છે તે પણ જણાવ્યું છે. મુનિઓ બાવીસ પ્રકારના પરિષહો ઉપર જય મેળવે છે એમ જણાવ્યું છે. જો કોઈ પણ વખતે મુનિ પરિષહજય ન કરે તો તેને બંધ થાય છે, તે વિષયનો સમાવેશ આઠમા બંધ અધિકારમાં આવી ગયો છે, અને પરિષહજય જ સંવર-નિર્જરા હોવાથી તે વિષય નવમા અધ્યાયમાં જણાવ્યો છે.

૯. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાની પૂર્ણતા થતાં (અર્થાત્ સંવર- નિર્જરાની પૂર્ણતા થતાં) અશુદ્ધતાનો સર્વથા નાશ થઈને જીવ સંપૂર્ણપણે જડકર્મ અને શરીરથી ભિન્ન થાય છે અને અવિચળ સુખદશા પ્રાપ્ત કરે છે, તે જ મોક્ષતત્ત્વ છે, એનું વર્ણન દસમા અધ્યાયમાં કર્યું છે.

એ પ્રમાણે આ શાસ્ત્રના વિષયોનો ટૂંક સાર છે.
ઈતિ શ્રી મોક્ષશાસ્ત્ર– ગુજરાતી ટીકા
સમાપ્ત