આ શાસ્ત્રની ગુજરાતી ટીકાની છેલ્લી અને બીજી આવૃત્તિ આજથી બાવીશ વર્ષ પૂર્વે શ્રી દિ. જૈન સ્વ. મંદિર ટ્રસ્ટ સોનગઢ તરફથી સંવત ૨૦૧૯ એટલે કે ઈ. સ. ૧૯૬૩ માં છપાએલ. ત્યારબાદ તેની માંગ હોવા છતાં આ પુસ્તક ઈ. સ. ૧૯૭૩ થી લગભગ અલભ્ય હતું. ફંડના અભાવે તેમ જ અન્ય પ્રકાશનોની વધારે લાભદાયક જરૂરીઆત હોવાના અંગે આ શાસ્ત્રનો ગુજરાતી ટીકા સંગ્રહ શ્રી રામજીભાઈ રચિત આજ સુધી પુનર્જન્મ ન પામી શકયો.
આપણા સારા નસીબે શ્રી રામજીભાઈની જન્મશતાબ્દી ઉજવણી વખતે જુદી- જુદી સંસ્થાઓ તરફથી ભંડોળ ઉભુ કરવામાં આવેલ અને તેમાંથી “મોક્ષશાસ્ત્ર” નું પ્રકાશન તુરત જ કરવું તેમ નક્કી થયેલ છતાં ત્યારબાદ ત્રણ વર્ષ પ્રસાર થઈ ગયા. પરંતુ કોઈ ને કોઈ કાણોસર “મોક્ષશાસ્ત્ર” પ્રકાશિત થઈ શકયું નહીં.
દિન પ્રતિદિન તત્ત્વ સમજવાની રુચિવાળો દરેક ફિરકાનો આબાલવૃદ્ધ વર્ગ વધતો જ જાય છે અને તેમને ખરેખર જૈનસિદ્ધાંત સુગમતાથી સમજવા માટે માતૃભાષા (ગુજરાતી) માં આવો ગ્રંથ ઉપલબ્ધ હોય તો ઘરમાં વસાવી પોતાને ત્યાં પોતાના પરિવારને લાભનું કારણ સમજે.
આ ધ્યેયને લક્ષમાં રાખી નીચેના નવા ટ્રસ્ટની રચના કરવામાં આવી છે અને જેમનું પ્રથમ કાર્ય ભગવાન શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્ર (તત્ત્વાર્થસૂત્ર) નું રામજીભાઈ માણેકચંદ દોશીની ગુજરાતી ટીકા સહિત પ્રકાશન કરવું એમ નક્કી કરેલ છે અને ત્યારબાદ પણ બીજા અપ્રાપ્ય પુસ્તકો અનુક્રમે પ્રસિદ્ધ કરવા.
શ્રી સુમતિ પ્રિન્ટિંગ પ્રેસે આ શાસ્ત્ર સાવધાની પૂર્વક શીધ્ર છાપી આપેલ છે તે બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
સુમનભાઈ રામજીભાઈ દોશી
મથુરભાઈ ગોકુલદાસ સંઘવી