Natak Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 471

 

background image
XVlll
બનારસીદાસ પોતાના માતા-પિતાના એકના એક પુત્ર હતા તેથી માતાપિતા અને
દાદીમાનો તેમના ઉપર અતિશય પ્રેમ હોવો સ્વાભાવિક છે. અસાધારણ પ્રેમને લીધે
વડીલોનો પુત્ર પર જેટલો ભય હોવો જોઈએ, એટલો બનારસીદાસજીને નહોતો
તેથી-
તજિ કુલકાન લોકકી લાજ, ભયૌ બનારસિ આસિખબાજ.
આપણા ચરિત્રનાયક યુવાવસ્થામાં અનંગના રંગમાં મગ્ન થઈ રહ્યા હતા, તે
વખતે જૌનપુરમાં ખડતર ગચ્છીય યતિ ભાનુચન્દ્રજી (મહાકવિ બાણભટ્ટકૃત
કાદમ્બરીના ટીકાકાર)નું આગમન થયું. યતિ મહાશય સદાચારી અને વિદ્વાન હતા.
તેમની પાસે સેંકડો શ્રાવક આવતા જતા હતા. એક દિવસ બનારસીદાસજી પોતાના
પિતાની સાથે યતિજીની પાસે ગયા. યતિજીએ તેમને સારી રીતે સમજી શકે તેવા
જોઈને સ્નેહ બતાવ્યો. બનારસીદાસ પ્રતિદિન આવવા જવા લાગ્યા. પછી એટલો
સ્નેહ વધી ગયો કે આખો દિવસ યતિની પાસે જ પાઠશાળામાં રહેતા, માત્ર રાત્રે
ધેર જતા હતા. યતિજીની પાસે, પંચસંધિની રચના અષ્ઠૌન, સામાયિક, પ્રતિક્રમણ,
છન્દશાસ્ત્ર, શ્રુતબોધ, કોષ અને અનેક છૂટક શ્લોકો વગેરે વિષયો કંઠસ્થ કર્યા. આઠ
મૂળગુણ પણ ધારણ કર્યા. પણ હજી શૃંગારરસ છૂટયો નહોતો.
કેટલાક સમય પછી બનારસીદાસજીના વિચારોમાં પરિવર્તન થયું,
સમ્યગ્જ્ઞાનની જ્યોત જાગૃત થઈ અને શૃંગારરસ પ્રત્યે અરુચિ થવા લાગી. એક
દિવસ તેઓ પોતાની મિત્રમંડળી સાથે ગોમતીના પુલ ઉપર સંધ્યા સમયે હવા ખાઈ
રહ્યા હતા અને નદીના ચંચળ મોજાંઓને ચિત્તવૃત્તિની ઉપમા આપતાં કાંઈક વિચાર
કરી રહ્યા હતા, પાસે એક પોથી પડી હતી. કવિવર પોતાની મેળે જ ગણગણવા
લાગ્યા, “લોકો પાસેથી સાંભળ્‌યું છે કે જે કોઈ એકવાર પણ જૂઠું બોલે છે, તે નરક-
નિગોદના અનેક દુઃખોમાં પડે છે, પણ મારી કોણ જાણે કેવી દશા થશે, જેણે જૂઠનો
એક સમૂહ બનાવ્યો છે? મેં આ પુસ્તકમાં સ્ત્રીઓના કપોલકલ્પિત નખ-શિખની
રચના કરી છે. હાય! મેં એ સારું નથી કર્યું. હું તો પાપનો ભાગીદાર થઈ જ ગયો
અને હવે બીજા માણસો પણ એ વાંચીને પાપના ભાગીદાર થશે તથા લાંબા સમય
સુધી પાપની પરંપરા વધશે.” બસ, આ ઉચ્ચ વિચારથી તેમનું હૃદય ડગમગવા
માંડયું. તેઓ બીજું કંઈ વિચારી શકયા નહિ અને ન તો કોઈની રજા લીધી,
ચૂપચાપ તે પુસ્તક ગોમતીના અથાહ અને વેગીલા પ્રવાહવાળા જળમાં ફેંકી દીધું. તે
દિવસથી બનારસીદાસજીએ એક નવીન અવસ્થા ધારણ કરી-