XlX
તિસ દિનસોં બાનારસી, કરી ધર્મકી ચાહ;
તજી આસિખી ફાસિખી૧, પકરી કુલકી રાહ.
ખરગસેનજી પુત્રની પરિણતિમાં આ પરિવર્તન જોઈને બહુ જ રાજી થયા
અને કહેવા લાગ્યા-
કહૈં દોષ કોઉ ના તજૈ, તજૈ અવસ્થા પાય;
જૈસે બાલકકી દશા,તરુણ ભયે મિટ જાય.
અને-
ઉદય હોત શુભ કર્મકે, ભઈ અશુભકી હાનિ;
તાતેં તુરત બનારસી, ગહી ધર્મકી બાનિ.
જે બનારસી સંતાપજન્ય રસના રસિયા હતા, તે હવે જિનેન્દ્રના શાન્તરસમાં
મસ્ત રહેવા લાગ્યા. લોકો જેમને ગલી-કૂંચિયોમાં ભટકતા જોતા હતા, તેમને હવે
જિનમંદિરમાં અષ્ટદ્રવ્ય લઈને જતા જોવા લાગ્યા. બનારસીને જિનદર્શન વિના
ભોજનત્યાગની પ્રતિજ્ઞા હતી. તેઓ ચૌદ નિયમ, વ્રત, સામાયિક પ્રતિક્રમણાદિ અનેક
આચાર-વિચારમાં તન્મય દેખાવા લાગ્યા.
તબ અપજસી બનારસી, અબ જસ ભયો વિખ્યાત.
આગ્રામાં અર્થમલ્લજી નામના અધ્યાત્મ-રસના રસિક એક સજ્જન હતા.
કવિવરનો તેમની સાથે વિશેષ સમાગમ રહેતો હતો. તેઓ કવિવરની વિલક્ષણ
કાવ્યશક્તિ જોઈને આનંદિત થયા હતા, પરંતુ તેમની કવિતામાં આધ્યાત્મિક-વિદ્યાનો
અભાવ જોઈને કોઈ કોઈ વાર દુઃખી પણ થતા હતા. એક દિવસ અવસર પામીને
તેમણે કવિવરને પં.રાજમલ્લજીકૃત સમયસાર-ટીકા આપીને કહ્યું કે આપ એકવાર
વાંચો અને સત્યની ખોજ કરો. તેમણે તે ગ્રંથ કેટલીયે વાર વાંચ્યો, પરંતુ ગુરુ વિના
તેમને અધ્યાત્મનો યથાર્થ માર્ગ સૂઝયો નહિ અને તેઓ નિશ્ચયનયમાં એટલા
તલ્લીન થઈ ગયા કે બાહ્ય ક્રિયાઓથી વિરક્ત થવા લાગ્યા-
કરનીકૌ રસ મિટ ગયો, ભયો ન આતમસ્વાદ;
ભઈ બનારસિકી દશા જથા ઊંટકૌ પાદ.
_________________________________________________________________
૧. પાપકાર્ય