પરચતુષ્ક અર્થાત્ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ વસ્તુ
નાસ્તિરૂપ છે. આ રીતે નિશ્ચયથી દ્રવ્ય અસ્તિ-નાસ્તિરૂપ છે. તેમના ભેદ દ્રવ્ય અને
પર્યાયમાં જાણી શકાય છે. વસ્તુને દ્રવ્ય, સત્તાભૂમિને ક્ષેત્ર, વસ્તુના પરિણમનને કાળ
અને વસ્તુના મૂળ સ્વભાવને ભાવ કહે છે. આ રીતે બુદ્ધિથી સ્વચતુષ્ટય અને
પરચતુષ્ટયની કલ્પના કરવી તે વ્યવહારનયનો ભેદ છે.
સત્તાભૂમિને ક્ષેત્ર કહે છે. પદાર્થના પરિણમન અર્થાત્ પર્યાયથી પર્યાયાંતર થવું તેને
કાળ કહે છે. અને પદાર્થના નિજસ્વભાવને ભાવ કહે છે. આ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ,
ભાવ પદાર્થનું ચતુષ્ક અથવા ચતુષ્ટય કહેવાય છે. આ પદાર્થનું ચતુષ્ટય સદા પદાર્થમાં
જ રહે છે, તેનાથી ભિન્ન થતું નથી. જેમ કે-ઘટમાં સ્પર્શ, રસ અથવા રુક્ષ, કઠોર,
રક્ત આદિ ગુણપર્યાયોનો સમુદાય દ્રવ્ય છે, જે આકાશના પ્રદેશોમાં ઘટ સ્થિત છે
અથવા ઘટના પ્રદેશો તેનું ક્ષેત્ર છે, ઘટના ગુણ-પર્યાયોનું પરિવર્તન તેનો કાળ છે,
ઘટની જળધારણની શક્તિ તેનો ભાવ છે. એવી જ રીતે પટ પણ એક પદાર્થ છે,
ઘટની જેમ પટમાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે. ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ
ઘટમાં છે. પટમાં નથી; તેથી ઘટ પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અસ્તિરૂપ છે
અને પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિરૂપ છે. એવી જ રીતે પટના દ્રવ્ય, ક્ષેત્ર,
કાળ, ભાવથી અસ્તિરૂપ છે, પટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ઘટમાં નથી, તેથી પટ,
ઘટના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નાસ્તિરૂપ છે. ૧૦.