Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 409

 

background image
કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનારા આવા અનેકાનેક ઉલ્લેખો જૈન સાહિત્યમાં મળી આવે
છે. શિલાલેખો પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન જૈન સંપ્રદાયમાં
કળિકાળસર્વજ્ઞ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન અજોડ છે.
ભગવાન કુંદકુંદાચાર્યનાં રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાંક હાલમાં વિદ્યમાન
છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે
અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમનાં પંચાસ્તિકાય,
પ્રવચનસાર, સમયસાર અને નિયમસાર નામનાં ઉત્તમોત્તમ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો
સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ
પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દ્રષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. શ્રી પંચાસ્તિકાયમાં
છ દ્રવ્યનું અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. શ્રી પ્રવચનસારમાં તેના નામ અનુસાર
જિનપ્રવચનનો સાર સંઘર્યો છે અને તેને જ્ઞાનતત્ત્વ, જ્ઞેયતત્ત્વ અને ચરણાનુયોગના ત્રણ
અધિકારોમાં વિભાજિત કર્યું છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં
નવ તત્ત્વોનું શુદ્ધનયની દ્રષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી
આગમ.
યુક્તિ, અનુભવ અને પરંપરાથીઅતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. શ્રી નિયમસારમાં
મોક્ષમાર્ગનું સ્પષ્ટ સત્યાર્થ નિરૂપણ છે. જેમ સમયસારમાં શુદ્ધનયથી નવતત્ત્વોનું નિરૂપણ કર્યું
છે તેમ નિયમસારમાં મુખ્યત્વે શુદ્ધનયથી જીવ, અજીવ, શુદ્ધભાવ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન,
આલોચના, પ્રાયશ્ચિત, સમાધિ, ભક્તિ, આવશ્યક, શુદ્ધોપયોગ વગેરેનું વર્ણન છે. શ્રી
નિયમસાર ભરતક્ષેત્રનાં ઉત્તમોત્તમ શાસ્ત્રોમાંનું એક હોવા છતાં પ્રાભૃતત્રયની સરખામણીમાં
તેની પ્રસિદ્ધિ ઘણી ઓછી છે. બ્રહ્મચારી શીતલપ્રસાદજી વિ. સં. ૧૯૭૨માં હિંદી
નિયમસારની ભૂમિકામાં ખરું જ લખે છે કે
‘આજ સુધી શ્રી કુંદકુંદાચાર્યનાં પંચાસ્તિકાય,
પ્રવચનસાર અને સમયસાર એ ત્રણ રત્નો જ બહુ પ્રસિદ્ધ છે. ખેદની વાત છે કે તેમના
જેવું બલકે કંઈ અંશોમાં તેમનાથી પણ અધિક જે નિયમસાર-રત્ન છે, તેની પ્રસિદ્ધિ એટલી
બધી ઓછી છે કે કોઈ કોઈ તો તેનું નામ પણ જાણતા નથી.’
આ નિયમસાર પરમાગમ મુખ્યત્વે મોક્ષમાર્ગના નિરુપચાર નિરૂપણનો અનુપમ ગ્રંથ
છે. ‘નિયમ’ એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. ‘નિયમસાર’ એટલે
નિયમનો સાર અર્થાત્ શુદ્ધ રત્નત્રય. આ શુદ્ધ રત્નત્રયની પ્રાપ્તિ પરમાત્મતત્ત્વનો આશ્રય
કરવાથી જ થાય છે. નિગોદથી માંડીને સિદ્ધિ સુધીની સર્વ અવસ્થાઓમાં
અશુભ, શુભ
કે શુદ્ધ વિશેષોમાંરહેલું જે નિત્ય-નિરંજન ટંકોત્કીર્ણ શાશ્વત એકરૂપ શુદ્ધદ્રવ્યસામાન્ય તે
* શિલાલેખોના નમૂના માટે ૧૮મું પાનું જુઓ
( ૧૦ )