તેમણે આ અક્ષરશઃ અનુવાદ કર્યો છે. જ્યાં જરુર પડી ત્યાં ફૂટનોટ દ્વારા કે કાસ દ્વારા સ્પષ્ટતા કરી છે. એ ઉપરાંત મૂળ ગાથાસૂત્રોનો ભાવભર્યો મધુર પદ્યાનુવાદ પણ કર્યો છે. આ રીતે શ્રી કુંદકુંદભગવાનનાં સમયસાર, પ્રવચનસાર અને નિયમસાર જેવાં ઉત્તમોત્તમ શાસ્ત્રોના અનુવાદનું પરમ સૌભાગ્ય તેમને મળ્યું છે તે માટે તેઓ ખરેખર અભિનંદનીય છે. આ નિયમસારનો ગુજરાતી અનુવાદ સર્વાંગસુંદર બન્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા ઝીલીને, અત્યંત પરિશ્રમપૂર્વક આવો સુંદર અનુવાદ તૈયાર કરી આપવા બદલ ભાઇશ્રી હિંમતલાલભાઇનો આ સંસ્થા ઘણો જ આભાર માને છે. આ અનુવાદ અમૂલ્ય છે કેમ કે માત્ર, પૂજ્ય ગુરુદેવ અને જિનવાણીમાતા પ્રત્યેની પરમ ભક્તિથી પ્રેરાઇને પોતાની અધ્યાત્મરસિકતા વડે તૈયાર કરાયેલા આ અનુવાદનાં મૂલ્ય કેમ આંકી શકાય?
ભાઇશ્રી હિંમતલાલભાઇને આ અનુવાદકાર્યમાં પ્રતસંશોધન, પ્રૂફરીડિંગ વગેરે નાનાંમોટાં અનેક કામોમાં ઘણી જ કિંમતી સહાય બ્ર૦ ભાઇશ્રી ચંદુલાલ ખીમચંદ ઝોબાળિયાએ આપી છે તેમનો તથા ભાઇશ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ, અમૃતલાલ દેવકરણ વોરા વગેરે જેમણે જેમણે સહાય કરી છે તે સર્વેનો જે આભાર ભાઇશ્રી હિંમતલાલભાઇએ ઉપોદ્ઘાતમાં વ્યક્ત કર્યો છે તેમાં આ સંસ્થા પોતાનો સૂર પુરાવે છે.
આ આવૃત્તિની પડતર કિંમત લગભગ નવ રુપિયા થાય છે, પરન્તુ આ પરમાગમનો લાભ વિશેષ પ્રમાણમાં મુમુક્ષુઓ લઇ શકે તે હેતુએ અનેક ભાઇઓ તરફથી પ્રદત્ત આર્થિક સહાય વડે તેની કિંમત ઘટાડીને સાડા પાંચ રુપિયા રાખવામાં આવી છે. જેમણે જેમણે આ આર્થિક સહાય આપી છે તે સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
મુમુક્ષુ જીવો અતિ બહુમાનપૂર્વક સદ્ગુરુગમે આ પરમાગમનો અભ્યાસ કરીને તેના ઊંડા ઊંડા ગંભીર ભાવોને સમજો અને અંતર્ગુફામાં બિરાજમાન શુદ્ધ કારણપરમાત્મા—ભગવાનચૈતન્યદેવને દેખો. શ્રાવણ વદ ૨,
વીર સં. ૨૪૭૭ વિ. સં. ૨૦૦૭