Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 90 of 660
PDF/HTML Page 111 of 681

 

background image
૯૦ આઠમું પર્વ પદ્મપુરાણ
પાસે, ક્ષણમાં અદ્રશ્ય, ક્ષણમાં સૂક્ષ્મ, ક્ષણમાં સ્થૂળ, ક્ષણમાં ભયાનક અને ક્ષણમાં મનોહર
એ પ્રમાણે તે ક્રીડા કરતો. એક દિવસ રાવણ મેઘવર પર્વત ઉપર ગયો. ત્યાં તેણે એક
વાવ જોઈ. તેનું જળ નિર્મળ હતું, તેમાં અનેક જાતનાં કમળો ખીલ્યાં હતાં. ક્રૌંચ, હંસ,
ચકવા, સારસ આદિ અનેક પક્ષીઓના અવાજ આવતા હતા, તેના તટ મનોહર હતા,
સુંદર પગથિયાઓથી શોભતી હતી, તેની સમીપમાં અર્જુન વગેરે જાતનાં ઊંચાં ઊંચાં
વૃક્ષોનો છાંયો થયો હતો. તેમાં ચંચળ માછલીઓની ઊછળકૂદથી જળના છાંટા ઊડતા હતા.
ત્યાં રાવણે અતિ સુંદર છ હજાર રાજકન્યાઓને ક્રીડા કરતી જોઈ. કેટલીક જળકેલિમાં
પાણીના છાંટા ઉડાડતી હતી, કેટલીક કમળવનમાં પ્રવેશેલી કમળની શોભાને જીતતી હતી,
ભમરા કમળોની શોભા છોડીને એમનાં મુખ આસપાસ ગુંજારવ કરતા હતા, કેટલીક મૃદંગ
વગાડતી હતી, કેટલીક વીણા વગાડતી હતી. આ બધી કન્યાઓ રાવણને જોઈને જળક્રીડા
છોડીને ઉભી થઈ ગઈ. રાવણ પણ તેની વચ્ચે જઈને જળક્રીડા કરવા લાગ્યો તો તેઓ
પણ જળક્રીડા કરવા લાગી. તે બધી રાવણનું રૂપ જોઈને કામબાણથી વીંધાઈ ગઈ.
બધાની દ્રષ્ટિ તેની તરફ જ ચોંટી રહી, બીજે ન જઈ શકી. એમની અને આની વચ્ચે
રાગભાવ થયો. પ્રથમ મિલનની લજ્જા અને મદનના પ્રગટવાથી તેમનું મન હિંડોળે
ઝૂલવા લાગ્યું. તે કન્યાઓમાં મુખ્યનું નામ સાંભળો. રાજા સુરસુંદરના રાણી સર્વશ્રીની
પુત્રી પદ્માવતી, જેનાં નેત્ર નીલકમલ જેવાં છે. રાજા બુધની રાણી મનોવેગાની પુત્રી
અશોકલતા, જાણે સાક્ષાત્ અશોકની લતા જ છે. રાજા કનકની રાણી સંધ્યાની પુત્રી
વિદ્યુતપ્રભા, જે પોતાની પ્રભાથી વીજળીની પ્રભાને લજવે છે; જેમનું દર્શન સુંદર છે, ઊંચા
કુળની જે કન્યાઓ છે, બધી જ અનેક કળાઓમાં પ્રવીણ છે તેમાં આ મુખ્ય છે, જાણે કે
ત્રણ લોકની સુંદરતા જ મૂર્તિ બનીને વિભૂતિ સહિત આવી છે. રાવણ આ છ હજાર કન્યાઓ
સાથે ગંધર્વ વિવાહથી પરણ્યો. તે પણ રાવણ સાથે અનેક પ્રકારની ક્રીડા કરવા લાગી.
ત્યારપછી તેમની સાથે જે રક્ષકો અને સાહેલીઓ હતી તેમણે જઈને એમનાં
માતાપિતાને સકળ વૃત્તાંત જણાવ્યો. તે રાજાઓએ રાવણને મારવા માટે ક્રૂર સામંતો
મોકલ્યા. તે ભ્રૃકુટિ ચડાવીને, હોઠ કરડતા આવ્યા અને જાતજાતનાં શસ્ત્રોની વર્ષા કરવા
લાગ્યા. એકલા રાવણે તે બધાને ક્ષણમાત્રમાં જીતી લીધા. તેઓ ભાગીને ધ્રૂજતા ધ્રૂજતા
રાજા સુરસુંદર પાસે આવ્યા, જઈને પોતાનાં હથિયાર ફેંકી દીધાં અને વિનંતી કરવા
લાગ્યા કે ‘હે નાથ! અમને નોકરીમાંથી કાઢી મૂકો, અમારાં ઘરબાર લૂંટી લ્યો, અથવા
હાથપગ ભાંગો કે મારી નાખો. અમે રત્નશ્રવાના પુત્ર રાવણ સાથે લડવાને સમર્થ નથી.
તે સમસ્ત છ હજાર રાજકન્યાઓ સાથે પરણ્યો છે અને તેમની સાથે ક્રીડા કરે છે, જે ઇન્દ્ર
જેવો સુંદર, ચંદ્રમા સમાન કાંતિમાન છે, જેની ક્રૂર દ્રષ્ટિ દેવ પણ સહન ન કરી શકે તો
તેની સામે અમે રંક શા હિસાબમાં? અમે ઘણાય શૂરવીરો જોયા છે, રથનૂપુરના સ્વામી
રાજા ઇન્દ્ર પણ આની તુલ્ય નથી, એ પરમ સુંદર અને મહાશૂરવીર છે.’ આવાં વચન
સાંભળીને રાજા સુરસુંદર અત્યંત ગુસ્સે થઈને રાજા બુધ અને કનક સહિત