Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 681

 

background image
હે દેવી! હું તારું નિર્દોષ શીલવ્રત સારી રીતે જાણું છું, તમારા ભાવોની વિશુદ્ધતા અને તારું
અનુકુળ પતિવ્રત પણ બરાબર જાણું છું પણ શું કરૂં? તું લોકાપવાદ પામી છો. પ્રજાનું ચિત્ત
સ્વભાવથી જ કુટિલ હોય છે, તેને વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે આમ કરવું પડયું છે.
અંતે સીતા કહે છે કે લોકમાં સત્યની પરીક્ષાના જેટલા પ્રકાર છે તે હું કરવા તૈયાર છું
આપ કહો તો હું કાળકૂટ વિષનું પાન કરૂં, આપ કહો તો હું આશીવિષ સર્પના મુખમાં હાથ
નાખું અને જો કહો તો પ્રજ્વલિત અગ્નિની જ્વાળામાં પ્રવેશ કરૂં. આપ દરેક પ્રકારે મારા
શીલની પરીક્ષા કરી શકો છો પણ આ રીતે મારો પરિત્યાગ કરવો ઉચિત નથી. ત્યારે રામ
ક્ષણવાર ચૂપ રહીને કહે છે કે તું અગ્નિકુંડમાં પ્રવેશીને પોતાના શીલની પરીક્ષા કરાવ. આથી
સીતા અત્યંત આનંદ પામીને પોતાની સ્વીકૃતિ આપે છે. રામની આજ્ઞા પ્રમાણે ત્રણસો હાથ
લાંબો પહોળો ચતુષ્કોણ અગ્નિકુંડ તૈયાર કરવામાં આવે છે અને તેમાં ચારે તરફથી અગ્નિ
લગાડવામાં આવે છે. હજારો સ્ત્રી પુરુષો સીતાનું સત્ય જોવા માટે એકઠા થયા છે. અગ્નિકુંડ
ચારે તરફથી પ્રજ્વલિત થયા પછી સીતા પોતાના શીલની પરીક્ષા આપવા માટે તૈયાર થઈ.
લોકોમાં હાહાકાર ફેલાઈ ગયો. જુદા જુદા મુખે જુદી જુદી વાતો થવા લાગી. તે સમયે સીતા
પરમેશ્વરનું ધ્યાન કરીને કહે છેઃ-
कर्मणा मनसा वाचा रामं मुक्त्वा परं नरम्। समुद्वहामि न स्वप्नेडप्यन्यं सत्यमिदं मम्।।
यधेतदनृतं वच्मि तदा मामेष पावकः। भस्मसाद्भावमप्राप्तामपि प्रापयतु क्षणात्।।
આજ વાત એક બીજા કવિએ આ પ્રમાણે કહી છેઃ-
मनसि वचसि काये जागरे स्वप्नमार्गे यदि मम पतिभावो राघवादन्यपुंसि।
तदिह दह शरीरं पावके मामकीनं सुकृत – विकृत नीते देव साक्षी त्वमेव।।
અર્થઃ- જો મેં મન વચન કાયાથી જાગતાં કે સ્વપ્નમાં પણ રામચંદ્ર સિવાય અન્ય
પુરુષનું ચિંતવન પણ કર્યું હોય તો આ અગ્નિ મારા શરીરને ક્ષણવારમાં ભસ્મ કરી નાખો. હે
દેવ! સાચા-જૂઠા કાર્યોના વિષયમાં આપ સાક્ષી છો.
આમ કહીને સીતાએ અગ્નિકુંડમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી જે કાંઈ થયું તે સર્વને પરિચિત
છે. એમાં કાંઈ શંકા નથી કે જે મનથી વચનથી, કાયથી શુદ્ધ શીલના ધારક છે તેમને સંસારનો
કોઈ મોટામાં મોટો ભય પણ ચળાવી શકતો નથી.
લોકો કહે છે કે કથાગ્રંથો અને પુરાણોમાં શું રહ્યું છે? તે વાંચવાથી શો લાભ થવાનો
છે? એવા લોકોને હું કહેવા ઈચ્છું છું કે સાંસારિક પ્રલોભનોમાં લલચાવનારી કથાઓ સાંભળવાથી
ભલે કોઈ લાભ ન હોય પણ તે મહાપુરુષોની કથાઓ હૃદય ઉપર પોતાનો અમિટ પ્રભાવ પાથર્યા
વિના રહેતી નથી કે જેમના જીવનમાં એક એકથી ચડિયાતી અનેક ઘટનાઓ બની હોય છે,
અનેક સંકટો આવ્યા હોય છે અને જે પોતાના પ્રબળ અને અદમ્ય ઉત્સાહથી તથા પરાક્રમથી
તેમના પર વિજય મેળવવા માટે નિરંતર આગળ વધતા રહ્યા અને અંતે મહાપુરુષ બનીને
સંસારની સામે એક પવિત્ર આદર્શ ઉપસ્થિત કરી ગયા છે. સ્વયં રામનું જીવન એનું જવલંત
ઉદાહરણ છે. તેમના પવિત્ર ચરિત્રથી પ્રભાવિત થઈને રાવણ જેવા તેના પ્રબળ પ્રતિપક્ષીને અનેક
વાર તેમની પ્રશંસા કરવી પડી છે.
(૬)