સમાન ભરતક્ષેત્રમાં બીજો કોઈ નથી એવા તેણે આજ્ઞા કરી છે કે તમારા પિતા સૂર્યરજને
મેં રાજા યમને કાઢીને કિહકંધપુરમાં સ્થાપ્યા અને તમે અમારા સદાના મિત્ર છો, પરંતુ
હવે તમે ઉપકાર ભૂલીને અમારાથી વિરુદ્ધ રહો છો તે યોગ્ય નથી. હું તમારા પિતાથી પણ
અધિક પ્રેમ તમને આપીશ. તમે શીઘ્ર જ અમારી પાસે આવો, અમને પ્રણામ કરો અને
તમારી બહેન શ્રીપ્રભાને અમારી સાથે પરણાવો. અમારી સાથે સંબંધ રાખવાથી તમને
સર્વ પ્રકારે સુખ થશે.’ દૂતે કહ્યું કે રાવણની આવી આજ્ઞા પ્રમાણ કરો. વાલીના મનમાં
બીજી વાતોનો તો સ્વીકાર થયો, પણ એક પ્રણામની વાત સ્વીકારાઈ નહિ; કેમ કે તેની
એ પ્રતિજ્ઞા હતી કે તે દેવગુરુશાસ્ત્ર સિવાય બીજા કોઈને પ્રણામ નહિ કરે. ત્યારે દૂતે ફરી
કહ્યું કે હે કપિધ્વજ! અધિક કહેવાથી શું લાભ? મારું વચન તમે માનો. થોડી લક્ષ્મી
મળવાથી ગર્વ ન કરો. કાં તો બન્ને હાથ જોડીને પ્રણામ કરો અને કાં આયુધ પકડો. કાં
તો સેવક બનીને સ્વામી ઉપર ચામર ઢોળો અને કાં ભાગીને દશે દિશામાં ભટક્યા કરો.
કાં મસ્તક નમાવો અથવા ખેંચીને ધનુષ્ય નમાવો. કાં રાવણની આજ્ઞાને કર્ણનું આભૂષણ
બનાવો અથવા તો ધનુષ્યની દોરી ખેંચીને કાન પાસે લાવો. રાવણે આજ્ઞા કરી છે કે કાં
તો મારાં ચરણની રજ તમારા માથે ચડાવો અથવા રણસંગ્રામમાં શિર પર ટોપ ધારણ
કરો. કાં બાણ છોડો કાં ધરતી છોડો. કાં હાથમાં પ્રતિહારીનો દંડ લઈને સેવા કરો અથવા
હાથમાં બરછી પકડો. કાં તો હાથ જોડો અથવા સેના એકઠી કરો. કાં તો મારાં ચરણોના
નખમાં મુખ દેખો અથવા ખડ્ગરૂપ દર્પણમાં મુખ દેખો. રાવણના દૂતે આવાં કઠોર વચન
કહ્યાં ત્યારે વાલીના વ્યાધ્રવિલંબી નામના સુભટે કહ્યું, હે કુદૂત! નીચ પુરુષ! તું આવાં
અવિવેકી વચનો બોલે છે તો તું ખોટા ગ્રહથી ખરડાયેલો છે, આખી પૃથ્વી પર જેનું
પરાક્રમ અને ગુણ પ્રસિદ્ધ છે એવા વાલીની વાત તારા કુરાક્ષસે સાંભળી નથી લાગતી.
આમ કહીને સુભટે ક્રોધથી દૂતને મારવા ખડ્ગ હાથમાં લીધું ત્યારે વાલીએ તેને રોક્યો કે
આ બિચારાને મારવાથી શું ફાયદો? એ તો પોતાના સ્વામીના સમજાવેલાં વચનો બોલે છે
અને રાવણ આવાં વચનો કહેવરાવે છે તેથી તેનું જ આયુષ્ય અલ્પ છે. પછી દૂત ડરીને
જલદી રાવણ પાસે આવ્યો, રાવણને બધી હકીકત કહી એટલે રાવણ ખૂબ ગુસ્સે થયો.
દુસ્સહ તેજવાન રાવણે બખ્તર પહેરીને મોટી સેના સહિત શીઘ્ર કૂચ કરી. રાવણનું શરીર
તેજોમય પરમાણુઓથી રચાયું છે. રાવણ કિહકંધપુર આવ્યો. ત્યારે વાલી પણ સંગ્રામ માટે
બહાર નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે વખતે મહાબુદ્ધિમાન, નીતિવાન સાગર,
વૃદ્ધજનો, મંત્રી વગેરેએ તેને શાંત પાડીને કહ્યું કે હે દેવ? નિષ્કારણ યુદ્ધ કરવાથી શું
લાભ? ક્ષમા કરો. અગાઉ અનેક યોદ્ધા માન કરીને નાશ પામ્યા છે. અષ્ટચંદ્ર વિદ્યાધર,
અર્કકીર્તિના હાથનો આધાર, જેને દેવની સહાય હતી તો પણ મેઘેશ્વર જયકુમારનાં
બાણોથી ક્ષય પામ્યા હતા. રાવણ પાસે મોટી સેના છે, જેની સામે કોઈ જોઈ શકે નહિ,
અનેક આયુધોથી સહિત છે, માટે આપ સંદેહની તુલારૂપ સંગ્રામ માગે ન ચડો. વાલીએ
કહ્યું કે હે મંત્રી, પોતાની પ્રશંસા કરવી યોગ્ય નથી તો પણ હું તમને સાચું