લંકા પાછા ફરતાં કૈલાસ પર્વત ઉપર આવ્યો. ત્યાંનાં જિનમંદિરોના પ્રભાવથી અને વાલી
મુનિના પ્રભાવથી તેનું પુષ્પક વિમાન આગળ ન ચાલી શક્યું. તે મનના વેગ જેવું ચંચળ
હતું, પણ સુમેરુના તટ પાસે આવતાં વાયુમંડળ થંભી જાય તેમ વિમાન થંભી ગયું. તેના
ઘંટારવ અટકી ગયા. તે વખતે રાવણે વિમાનને અટકેલું જોઈ મારીચ મંત્રીને પૂછયું કે આ
વિમાન શા કારણે અટકી ગયું? બધી બાબતોમાં પ્રવીણ મારીચે ત્યારે કહ્યું કે હે દેવ!
સાંભળો, આ કૈલાસ પર્વત છે. અહીં કોઈ મુનિ કાયોત્સર્ગ કરીને રહે છે, શિલા ઉપર
રત્નના સ્તંભ સમાન સૂર્યની સન્મુખ ગ્રીષ્મઋતુમાં આતાપન યોગ કરે છે, પોતાના તેજથી
સૂર્યનું તેજ ઝાંખું પાડતા બિરાજે છે. એ મહામુનિ ધીરવીર છે, ઘોર તપ કરે છે,
શીઘ્રમુક્તિ પ્રાપ્ત કરવા ચાહે છે. તેથી નીચે તરીને તેમના દર્શન કરીને આગળ ચાલો તથા
વિમાનને પાછું ફેરવી કૈલાસ છોડીને બીજે માર્ગે લઈને ચાલો. જો કદાચ હઠ કરીને
કૈલાસના માર્ગે ઉપર થઈને જશો તે વિમાનના ટુકડે ટુકડા થઈ જશે. મારીચનાં વચનો
સાંભળીને રાજા યમનો વિજેતા રાવણ પોતાના પરાક્રમથી ગર્વિત થઈ કૈલાસ પર્વતને
દેખવા લાગ્યો. કેવો છે પર્વત? જાણે કે વ્યાકરણ જ છે; કેમ કે વિવિધ પ્રકારની ધાતુઓથી
ભરેલો છે. અને સહસ્ત્રગુણયુક્ત નાના પ્રકારના સુવર્ણની રચનાથી રમણીય પદપંક્તિયુક્ત
નાના પ્રકારના સ્વરોથી પૂર્ણ છે. વળી, તે પર્વત ઊંચાં અને તીખાં શિખરોના સમૂહથી
શોભાયમાન છે, આકાશને અડે છે, પ્રગટ થતા, ઊછળતાં ઝરણાંથી પ્રગટ હસે છે, કમળ
આદિ અનેક પુષ્પોની સુગંધરૂપ સુરાથી મત્ત ભમરાઓના ગુંજારવથી અતિસુંદર છે, નાના
પ્રકારનાં વૃક્ષોથી મંડિત છે, મોટાં મોટાં શાલનાં વૃક્ષોથી મંડિત છે, છયે ઋતુઓનાં ફળફૂલ
શોભે છે, અનેક જાતિના જીવ ત્યાં વિચરે છે. ત્યાં એવાં ઔષધો છે કે જેની વાસથી
સર્પોના સમૂહ દૂર રહે છે તે પર્વત સદા નવયૌવન જ ધારણ કરે છે. તે પર્વત જાણે કે
પૂર્વપુરુષ સમાન છે. વિસ્તીર્ણ શિલાઓ તેનું હૃદય છે, શાલવૃક્ષો તેની મહાભુજા છે, ગંભીર
ગુફા તે વદન છે. તે પર્વત શરદ ઋતુના મેધ સમાન નિર્મળ તટથી જાણે દૂધ સમાન
પોતાની કાંતિથી દશે દિશાઓને નવડાવે છે. કેટલીક ગુફાઓમાં સૂતેલા સિંહથી તે ભયાનક
છે, ક્યાંક સૂતેલા અજગરના શ્વાસથી વૃક્ષો હલે છે, ક્યાંક ક્રીડા કરતાં હરણોથી શોભે છે,
ક્યાંક હાથીના સમૂહથી મંડિત છે, ક્યાંક ફૂલના સમૂહથી જાણે તેનો રોમાંચ થઈ રહ્યો છે,
કયાંક કમળોથી શોભિત સરોવરો છે, કયાંક વાનરોનો સમૂહ વૃક્ષોની શાખાઓ ઉપર કેલિ
કરે છે, ક્યાંક ચંદનાદિ સુગંધી વૃક્ષોથી સુગંધિત થઈ રહ્યો છે આવો કૈલાસ પર્વત જોઈ
રાવણ વિમાનમાંથી નીચે ઉતર્યો. ત્યાં તેણે ધ્યાનરૂપી સમુદ્રમાં મગ્ન, પોતાના શરીરના
તેજથી દશે દિશાઓને પ્રકાશિત કરતા મહામુનિ વાલીને જોયા. દિગ્ગજોની સૂંઢ સમાન
બન્ને ભુજા લંબાવીને કાયોત્સર્ગમાં ઊભેલા, જેમના શરીર પર સર્પ વીંટળાઈ વળ્યા છે,
જાણે કે તે ચંદનવૃક્ષ જ ન હોય! આતાપન શિલા પર ઊભેલા તે પ્રાણીઓને
પાષાણસ્તંભ જ લાગે છે. રાવણ વાલી મુનિને જોઈ, પૂર્વના વેરનો વિચાર કરી ક્રોધરૂપી
અગ્નિથી પ્રજ્વલિત થયો. ભ્રકુટિ ચડાવી, હોઠ કરડતાં તેણે મુનિને કઠોર શબ્દ કહ્યા