Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 117 of 660
PDF/HTML Page 138 of 681

 

background image
પદ્મપુરાણ દસમું પર્વ ૧૧૭
ભરેલી છે, ક્યાંક તે વેગથી વહે છે, ક્યાંક મંદપણે વહે છે, ક્યાંક કુંડલાકાર વહે છે, નાના
પ્રકારની ચેષ્ટાથી પૂર્ણ એવી નર્મદાને જોઈને જેના મનમાં કૌતૂક જાગ્યું છે એવો રાવણ
નદીના કિનારે ઉતર્યો. નદી ભયાનક પણ છે અને સુંદર પણ છે.
ત્યારબાદ માહિષ્મતિ નગરીના રાજા સહસ્ત્રરશ્મિએ નર્મદામાં રાવણના સૈન્યની
ઉપરવાસના ભાગમાં પોતાના જળયંત્ર વડે નદીનું જળ થંભાવી દીધું અને નદીના કિનારે
નાના પ્રકારની ક્રીડા કરી. કોઈ સ્ત્રી માન કરતી હતી તેની ખૂબ શુશ્રૂષા કરીને તેને રાજી
કરી, દર્શન, સ્પર્શન, માન, પછી માનનું છોડવું, પ્રણામ, પરસ્પર જળકેલિ, હાસ્ય, નાના
પ્રકારનાં પુષ્પોનાં આભૂષણોનો શ્રૃંગાર ઇત્યાદિ અનેક પ્રકારની ક્રીડા કરી. જેમ દેવીઓ
સહિત ઇન્દ્ર ક્રીડા કરે તેમ રાજા સહસ્ત્રરશ્મિએ ક્રીડા કરી. કિનારાની રેતી ઉપર રત્ન અને
મોતીનાં આભૂષણ તૂટીને પડયાં તે ન લીધાં, જેમ કરમાયેલાં ફૂલોની માળા કોઈ ન લે
તેમ. કેટલીક રાણીઓ ચંદનના લેપ સહિત જળમાં કેલિ કરતી હતી તેથી જળ સફેદ બની
ગયું. કેટલીકે કેસરના લેપથી જળને સુવર્ણ સમાન પીળું કરી નાખ્યું, કેટલીકે તાંબુલથી
રંગેલા હોઠથી જળને લાલ કર્યું, કેટલીકે આંખનું આંજણ ધોઈને જળને શ્યામ કર્યું તો
ક્રીડા કરતી સ્ત્રીનાં આભૂષણના શબ્દ અને કાંઠે બેઠેલાં પક્ષીઓના શબ્દોથી રાજાનું મન
મોહિત થયું. નદીના નીચેના ભાગ તરફ રાવણનું સૈન્ય હતું. રાવણે સ્નાન કરી, પવિત્ર
વસ્ત્ર પહેરી નદીના રમણીક કિનારા ઉપર રેતીનો ઓટો બનાવી, જેના ઉપર વૈડૂર્ય
મણિના સ્તંભ છે એવી મોતીઓની ઝાલરવાળા ચંદરવા રાખી ભગવાન શ્રી અરિહંતદેવની
પૂજા કરી. બહુ જ ભક્તિથી પવિત્ર સ્તોત્રો વડે સ્તુતિ કરી ત્યાં ઉપરવાસનું જળ આવ્યું
તેથી પૂજામાં વિઘ્ન થયું. જુદા જુદા પ્રકારની કલુષતા સહિત પ્રવાહ વહેતો આવ્યો એટલે
રાવણ પ્રતિમાજીને લઈને ઊભો થઈ ગયો અને ક્રોધથી કહેવા લાગ્યો કે આ શું છે? ત્યારે
સેવકોએ ખબર આપ્યા કે હે નાથ! આ કોઈ મહાન ક્રીડા કરતો પુરુષ સુંદર સ્ત્રીઓની
વચ્ચે નાના પ્રકારની લીલા કરે છે અને સામંતો શસ્ત્રો લઈને દૂર દૂર છે, જાતજાતના
જળયંત્ર બાંધ્યાં છે તેનાથી આ ચેષ્ટા થઈ છે. એનો પુરુષાર્થ એવો છે કે બીજે સ્થાને
દુર્લભ હોય. મોટા મોટા સામંતોથી તેનું તેજ સહન થઈ શકતું નથી અને સ્વર્ગમાં ઇન્દ્ર છે,
પરંતુ આ તો પ્રત્યક્ષ જ ઇન્દ્ર જોયો. આ વાત સાંભળી રાવણને ગુસ્સો આવ્યો, ભ્રમર
ચડી ગઈ, આંખ લાલ થઈ ગઈ, ઢોલ વાગવા લાગ્યા, વીરરસનો રાગ ગવાવા લાગ્યો,
ઘોડા હણહણવા લાગ્યા, હાથી ગર્જના કરવા લાગ્યા. રાવણે અનેક રાજાઓને આજ્ઞા કરી
કે આ સહસ્ત્રરશ્મિ દુષ્ટ છે, એને પકડી લાવો. એવી આજ્ઞા કરી પોતે નદીના તટ પર
પૂજા કરવા લાગ્યા. રત્નસુવર્ણનાં પુષ્પ આદિ અનેક સુંદર દ્રવ્યોથી પૂજા કરી. અનેક
વિદ્યાધરોના રાજા રાવણની આજ્ઞા માથે ચડાવી યુદ્ધ કરવા ચાલ્યા. રાજા સહસ્ત્રરશ્મિએ
શત્રુના સૈન્યને આવતું જોઈને સ્ત્રીઓને કહ્યું કે તમે ડરો નહિ. તેમને ધીરજ આપીને પોતે
જળમાંથી બહાર નીકળ્‌યો. કકળાટના અવાજો સાંભળી, દુશ્મનનું સૈન્ય આવેલું જાણીને
માહિષ્મતી નગરીના યોદ્ધા સજ્જ થઈને હાથી, ઘોડા, રથ ઉપર ચડયા. જાતજાતનાં