આયુધો ધારણ કરીને સ્વામીધર્મના અત્યંત અનુરાગી તેઓ રાજા પાસે આવ્યા. જેમ
સમ્મેદશિખર પર્વતનો એક જ કાળ છયે ઋતુનો આશ્રય કરે તેમ સમસ્ત યોદ્ધા તત્કાળ
રાજા પાસે આવ્યા, વિદ્યાધરોની ફોજને આવતી જોઈને સહસ્ત્રરશ્મિના સામંતો જીવવાની
આશા છોડીને ધનવ્યૂહ રચીને સ્વામીની આજ્ઞા વિના જ લડવા તૈયાર થયા. જ્યારે
રાવણના યોદ્ધા યુદ્ધ કરવા લાગ્યા ત્યારે આકાશમાં દેવવાણી સંભળાણી કે અહો, આ મોટી
અનીતિ છે. આ ભૂમિગોચરી અલ્પશક્તિવાન, વિદ્યાબલરહિત માયાયુદ્ધને શું જાણે?
એમની સાથે વિદ્યાધરો માયાયુદ્ધ કરે એ શું યોગ્ય છે? વળી વિદ્યાધરો ઘણા છે અને આ
થોડા છે, આવા આકાશમાંથી દેવોના શબ્દો સાંભળીને જે વિદ્યાધરો સત્પુરુષ હતા તે
લજ્જિત થઈને જમીન ઉપર ઊતર્યા. બન્ને સેનાઓમાં પરસ્પર યુદ્ધ થયું. રથમાં બેઠેલા,
હાથી-ઘોડા પર બેઠેલા કે પ્યાદાસ્વાર તલવાર, બાણ, ગદા, ભાલા ઇત્યાદિ આયુધો વડે
પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા, અનેક મરાયા, ન્યાયયુદ્ધ થયું, શસ્ત્રોના પ્રહારથી અગ્નિ
સળગ્યો, સહસ્ત્રરશ્મિની સેના રાવણની સેનાથી કાંઈક પાછળ હઠી એટલે સહસ્ત્રરશ્મિ
રથમાં બેસીને યુદ્ધ કરવા તૈયાર થયો. માથે મુગટ, શરીરે બખ્તર પહેરી, હાથમાં ધનુષ્ય
લઈ, વિદ્યાધરોના બળથી જરા પણ ભય પામ્યો નહિ. સ્વામીને મોખરે જોઈને સેના જે
પાછળ હઠતી હતી તે આગળ આવી યુદ્ધ કરવા લાગી. દેદીપ્યમાન છે શસ્ત્ર જેનાં અને જે
ઘાની વેદના ભૂલી ગયા છે એવા રણધીર ભૂમિગોચરીઓ રાક્ષસોની સેનામાં સમુદ્રમાં મત્ત
હાથી પ્રવેશ કરે તેમ ઘૂસ્યા. સહસ્ત્રરશ્મિ ક્રોધથી બાણ વડે જેમ પવન મેઘને હઠાવે તેમ
શત્રુઓને હટાવતો આગળ વધ્યો ત્યારે દ્વારપાળે રાક્ષસને કહ્યું કે હે દેવ! જુઓ, આણે
આપની સેનાને પાછળ હઠાવી છે. આ ધનુષ્યધારી જગતને તૃણવત્ ગણે છે, એના
બાણથી આપની સેના એક યોજન પાછળ ખસી ગઈ છે ત્યારે રાવણ સહસ્ત્રરશ્મિને જોઈ
પોતે ત્રૈલોક્યમંડન હાથી ઉપર બેઠા. રાવણને જોઈ શત્રુ પણ ડર્યા. રાવણે બાણની વર્ષા
કરી, સહસ્ત્રરશ્મિનો રથ તોડી નાખ્યો એટલે સહસ્ત્રરશ્મિ હાથી ઉપર બેસીને રાવણની
સામે આવ્યો. તેનાં બાણ રાવણનું બખ્તર ભેદી શરીરમાં ખૂંચી ગયાં તેમને રાવણે ખેંચી
કાઢયાં. સહસ્ત્રરશ્મિએ હસીને રાવણને કહ્યું, અહો રાવણ! તું મહાન બાણાવલી કહેવડાવે
છે, તું આવી વિદ્યા ક્યાંથી શીખ્યો, તને કયા ગુરુ મળ્યા હતા? પહેલાં તું ધનુષ્યવિદ્યા
શીખી છે, પછી અમારી સાથે લડજે. આવા કઠોર શબ્દ સાંભળીને રાવણ ક્રોધે ભરાયો.
તેણે સહસ્ત્રરશ્મિના મસ્તક ઉપર ભાલો ફેંક્યો. સહસ્ત્રરશ્મિને લોહીની ધારા નીકળવા
લાગી, તેની આંખો ચકળવકળ થવા લાગી. પહેલાં મૂર્ચ્છિત થઈ ગયો. પછી ભાનમાં
આવતાં શસ્ત્ર હાથમાં લેવા લાગ્યો ત્યાં રાવણ ઉછળીને સહસ્ત્રરશ્મિ ઉપર પડયો અને
તેને જીવતો પકડી લીધો. બાંધીને પોતાના સ્થાન પર લઈ ગયો. તે જોઈને બધા
વિદ્યાધરો આશ્ચર્ય પામ્યા કે સહસ્ત્રરશ્મિ જેવા યોદ્ધાને રાવણે પકડી લીધો. ધનપતિ યક્ષને
જીતનાર, યમનું માનમર્દન કરનાર, કૈલાસને ધ્રૂજાવનાર રાવણ દ્વારા સહસ્ત્રરશ્મિની આવી
હાલત થયેલી જોઈ સહસ્ત્રરશ્મિ અર્થાત્ સૂર્ય જાણે કે ભયથી અસ્તાચળ તરફ ગયો,
અંધકાર ફેલાઈ ગયો. રાત્રિનો સમય થયો. પછી