કરી તેને લાવવામાં આવ્યો. સહસ્ત્રરશ્મિ પોતાના પિતા મુનિને નમસ્કાર કરી પાસે બેઠો.
સહસ્ત્રરશ્મિનો ખૂબ સત્કાર કરી, બહુ પ્રસન્ન થઈ રાવણે કહ્યું કે હે મહાબલ! જેમ અમે
ત્રણ ભાઈઓ છીએ એવો તું અમારો ચોથો ભાઈ છો. તારી સહાયથી રથનૂપુરનો રાજા
જે પોતાને ભ્રમથી ઇન્દ્ર કહેવડાવે છે તેને જીતીશ અને મારી રાણી મંદોદરીની નાની બહેન
સ્વયંપ્રભાને તારી સાથે પરણાવીશ. ત્યારે સહસ્ત્રરશ્મિએ કહ્યું કે ધિક્કાર છે આ રાજ્યને!
એ ઇન્દ્રધનુષ સમાન ક્ષણભંગુર છે અને આ વિષયોને પણ ધિક્કાર છે! એ દેખવા માત્ર
જ મનોજ્ઞ છે, મહાદુઃખરૂપ છે અને સ્વર્ગને ધિક્કાર છે, જે અવ્રત, અસંયમરૂપ છે અને
મરણના ભાજનથી એવા આ દેહને પણ ધિક્કાર! અને મનેય ધિક્કાર કે જે હું આટલો
કાળ વિષયાસક્ત થઈ, કામાદિક વેરી દ્વારા છેતરાયો. હવે હું એવું કરું કે જેથી
સંસારવનમાં ભ્રમણ ન કરવું પડે. અત્યંત દુઃખરૂપ એવી ચારે ગતિમાં ભ્રમણ કરતાં હું
બહુ થાક્યો છું. હવે જેનાથી ભવસાગરમાં ન પડાય એવું કરીશ. ત્યારે રાવણે કહ્યું કે આ
મુનિનું વ્રત વૃદ્ધોને શોભે છે. હે ભવ્ય! તું તો નવયુવાન છો. ત્યારે સહસ્ત્રરશ્મિએ કહ્યું કે
કાળને એવો વિવેક નથી કે તે વૃદ્ધને જ ગ્રસે અને તરુણને ન ગ્રસે. કાળ સર્વભક્ષી છે.
બાળ, વૃદ્ધ, યુવાન બધાને તે ગ્રસે છે. જેમ શરદનાં વાદળાં ક્ષણમાત્રમાં વિખરાઈ જાય છે
તેમ આ દેહ તત્કાળ નાશ પામે છે. હે રાવણ! જો આ વિષયભોગમાં સાર હોય તો
મહાપુરુષો તેનો ત્યાગ શા માટે કરે છે? ઉત્તમ બુદ્ધિવાળા આ મારા પિતાએ ભોગ છોડીને
યોગ આદર્યો છે તેથી યોગ જ સાર છે. આમ કહીને પોતાના પુત્રને રાજ્ય આપી,
રાવણની ક્ષમા માગી, પિતાની પાસે જિનદીક્ષા ગ્રહણ કરી અને અયોધ્યાના સ્વામી રાજા
અરણ્ય જે સહસ્ત્રરશ્મિનો પરમ મિત્ર છે તેમણે પહેલાં એવી વાત કરી હતી કે જો હું
પહેલાં દીક્ષા લઈશ તો તને ખબર આપીશ અને જો તું દીક્ષા લે તો મને ખબર આપજે
એટલે એને પણ પોતાના વૈરાગ્યના સમાચાર મોકલ્યા. સજ્જનોએ રાજા સહસ્ત્રરશ્મિના
દીક્ષાગ્રહણના સમાચાર રાજા અરણ્યને કહ્યા ત્યારે તે સાંભળીને પહેલાં તો સહસ્ત્રરશ્મિના
ગુણ યાદ કરીને આંસુ સારી વિલાપ કર્યો અને પછી વિષાદ છોડી પોતાની પાસે રહેલા
લોકોને મહાબુદ્ધિમાન કહેવા લાગ્યો કે રાવણ વેરીના વેશમાં તેમનો પરમ મિત્ર થયો. જે
ઐશ્વર્યના પિંજરામાં રાજા રોકાઈ રહ્યો હતો, તેનું ચિત્ત વિષયોથી મોહિત હતું, તે
પિંજરામાંથી તેને છોડાવ્યો. આ મનુષ્યરૂપી પક્ષી માયાજાળરૂપ પિંજરામાં પડે છે. પરમહિતુ
જ તેને તેમાંથી છોડાવે છે. માહિષ્મતી નગરીના રાજા સહસ્ત્રરશ્મિને ધન્ય છે કે જે
રાવણરૂપી જહાજ મેળવીને સંસારરૂપી સમુદ્રને તરી જશે. તે કૃતાર્થ થયો, અત્યંત દુઃખ
આપનાર એવું જે રાજકાજ તેને છોડીને જિનરાજનાં વ્રત ગ્રહણ કર્યાં. આ પ્રમાણે મિત્રની
પ્રશંસા કરી, પોતે પણ નાના પુત્રને રાજ્ય આપી, મોટા પુત્ર સાથે રાજા અરણ્ય મુનિ
થયા. હે શ્રેણિક! જ્યારે કોઈ ઉત્કૃષ્ટ પુણ્યનો ઉદય આવે ત્યારે શત્રુ અથવા મિત્રનું
નિમિત્ત પામીને જીવને કલ્યાણની બુદ્ધિ ઉપજે છે અને પાપકર્મના ઉદયથી દુર્બુદ્ધિ ઉપજે છે.
જે પ્રાણી આપણને ધર્મમાં લગાવે તે જ પરમમિત્ર છે અને જે ભોગ સામગ્રીમાં પ્રેરે તે
પરમ વેરી છે,