ભગવાનનાં મંદિરો બનાવરાવાં. ગૃહસ્થ જિનેન્દ્રની ભક્તિમાં તત્પર અને વ્રતક્રિયામાં
પ્રવીણ હોય છે. પોતાની લક્ષ્મી પ્રમાણે જિનમંદિર બનાવી જળ, ચંદન, દીપ, ધૂપાદિથી
પૂજા કરવી. જે જિનમંદિરાદિમાં ધન ખરચે છે તે સ્વર્ગમાં તેમ જ મનુષ્યલોકમાં પણ
અત્યંત ઊંચા ભોગ ભોગવી પરમપદ પામે છે અને ચતુર્વિધ સંઘને ભક્તિપૂર્વક દાન આપે
છે તે ગુણોનું ભાજન છે, ઇન્દ્રાદિપદના ભોગો પામે છે માટે જે પોતાની શક્તિ અનુસાર
સમ્યગ્દ્રષ્ટિ પાત્રોને ભક્તિથી દાન આપે છે તથા દુઃખીઓને દયાભાવથી દાન આપે છે તે
ધન સફળ છે અને કુમાર્ગમાં વપરાયેલું ધન તેને ચોરે લૂંટેલું જાણો. આત્મધ્યાનના
યોગથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જેમને કેવળજ્ઞાન ઉપજે છે તેમને નિર્વાણપદ મળે
છે. સિદ્ધો સર્વ લોકના શિખર ઉપર રહે છે. સર્વ બાધારહિત, આઠ કર્મરહિત, અનંતજ્ઞાન,
અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય સહિત, શરીરથી રહિત અમૂર્તિક, પુરુષાકારે
જન્મમરણરહિત, અવિચળપણે બિરાજે છે, તેમનું સંસારમાં ફરી આગમન થતું નથી. તે
મન અને ઇન્દ્રિયોથી અગોચર છે, ધર્માત્મા જીવ આ સિદ્ધપદ પામે છે. પાપી જીવ
લોભરૂપ પવનથી વધેલા દુઃખરૂપ અગ્નિમાં બળતાં સુકૃતરૂપ જળ વિના સદા કલેશ પામે
છે. પાપરૂપ અંધકારમાં રહેલા મિથ્યાદર્શનને વશીભૂત થયેલા છે. કેટલાક ભવ્ય જીવો
ધર્મરૂપ સૂર્યનાં કિરણોથી પાપતિમિરને દૂર કરી કેવળજ્ઞાન પામે છે અને કોઈ જીવ
અશુભરૂપ લોઢાના પાંજરામાં પડી તૃષ્ણારૂપ પાપથી વીંટળાયેલા ધર્મરૂપ બંધુઓથી છૂટે છે.
વ્યાકરણથી પણ ધર્મ શબ્દનો આ જ અર્થ થાય છે કે ધર્મનું આચરણ કરતાં દુગર્તિમાં
પડતાં પ્રાણીઓને રોકે તેને ધર્મ કહે છે. તેવા ધર્મના લાભને લાભ કહે છે. જિનશાસનમાં
જે ધર્મનું સ્વરૂપ કહ્યું છે તે સંક્ષેપમાં તમને કહ્યું. હવે ધર્મના ભેદ અને ધર્મના ફળના ભેદ
એકાગ્ર મનથી સાંભળો. હિંસાથી, અસત્યથી, ચોરીથી, કુશીલથી, ધન-પરિગ્રહના સંગ્રહથી
વિરક્ત થવું અને આ પાપોનો ત્યાગ કરવો તેને મહાવ્રત કહે છે. વિવેકીઓએ તે ધારણ
કરવા જોઈએ. ભૂમિ જોઈને ચાલવું, હિતમિત સંદેહરહિત વચન બોલવાં, નિર્દોષ આહાર
લેવો, યત્નથી પુસ્તકાદિ લેવાં-મૂકવાં, નિર્જંતુ ભૂમિ પર શરીરનો મળ ત્યાગવો; આ
પાંચને સમિતિ કહે છે. આ પાંચ સમિતિનું યત્નપૂર્વક પાલન કરવું અને મન-વચન-
કાયની વૃત્તિના અભાવને ત્રણ ગુપ્તિ કહે છે તે સાધુએ પરમાદરથી અંગીકાર કરવી. ક્રોધ,
માન, માયા, લોભ જીવના મહાશત્રુ છે. ક્ષમાથી ક્રોધને જીતવો, માર્દવથી માનને જીતવું,
આર્જવ એટલે નિષ્કપટ ભાવથી માયાચારને જીતવો અને સંતોષથી લોભને જીતવો.
શાસ્ત્રોક્ત ધર્મના કરનાર મુનિઓએ કષાયોને નિગ્રહ કરવો યોગ્ય છે. આ પાંચ મહાવ્રત,
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, કષાયનિગ્રહ એ મુનિરાજનો ધર્મ છે અને મુનિનો મુખ્ય ધર્મ
ત્યાગ છે. જે સર્વત્યાગી હોય તે જ મુનિ છે. સ્પર્શન, રસના, ધ્રાણ, ચક્ષુ, શ્રોત્ર એ પાંચ
ઈન્દ્રિયને વશ કરવી તે ધર્મ છે. અનશન, અવમોદર્ય એટલે અલ્પ આહાર, વ્રત પરિસંખ્યા
એટલે વિષમ પ્રતિજ્ઞા લેવી, અટપટી વાત વિચારવી, જેમ કે આ વિધિથી આહાર મળશે
તો લઈશું, નહિતર નહિ