Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 154 of 660
PDF/HTML Page 175 of 681

 

background image
૧પ૪ ચૌદમું પર્વ પદ્મપુરાણ
મારવાનું, ભૂખે રાખવાનું વગેરે જે દુઃખ થાય તેનો દોષ આપનારને લાગે, અને ભૂમિદાન
પણ હિંસાનું કારણ છે. જ્યાં હિંસા હોય ત્યાં ધર્મ ન હોય. શ્રી ચૈત્યાલય માટે ભૂમિ
આપવી યોગ્ય છે, બીજા કોઈ નિમિત્તે નહિ. જે જીવહિંસાથી પુણ્ય મેળવવા ઇચ્છે છે તે
જીવ પાષાણમાંથી દૂધ મેળવવા ઇચ્છે છે માટે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીનાં સર્વ
જીવને અભયદાન આપવું, વિવેકીજનોને જ્ઞાનદાન આપવું, પુસ્તકાદિ આપવા અને
ઔષધ, અન્ન, જળ, વસ્ત્રાદિ બધાને દેવાં, પશુઓને સૂકું ઘાસ આપવું, અને જેમ સમુદ્રમાં
છીપે મેઘનું જળ પીધું તે મોતી થઈને પરિણમે છે તેમ સંસારમાં દ્રવ્યના યોગથી સુપાત્રોને
જવ આદિ અન્ન આપ્યું હોય તો પણ મહાફળ આપે છે. જે ધનવાન હોય અને સુપાત્રને
શ્રેષ્ઠ વસ્તુનું દાન કરતા નથી તે નિંદ્ય છે. દાન મહાન ધર્મ છે. તે વિધિપૂર્વક કરવું.
પુણ્યપાપમાં ભાવ જ મુખ્ય છે. જે ભાવ વિના દાન આપે છે તે પર્વતના શિખર ઉપર
વરસેલા જળ સમાન છે, તે કાર્યકારી નથી, જે ખેતરમાં વરસે છે તે કાર્યકારી છે. જે કોઈ
સર્વજ્ઞ વીતરાગદેવને ધ્યાવે છે અને સદા વિધિપૂર્વક દાન આપે છે તેના ફળનું કોણ વર્ણન
કરી શકે? તેથી ભગવાનના પ્રતિબિંબ, જિનમંદિર, જિનપૂજા, જિનપ્રતિષ્ઠા, સિદ્ધક્ષેત્રોની
યાત્રા, ચતુર્વિધ સંઘની ભક્તિ અને શાસ્ત્રોનો સર્વ દેશોમાં પ્રચાર કરવો, આ ધન
ખરચવાના સાત મહાક્ષેત્ર છે. તેમાં જે ધન ખર્ચે છે તે સફળ છે તથા કરુણાદાન કે
પરોપકારમાં વપરાય તે સફળ છે.
જે આયુધનું ગ્રહણ કરે છે તેમને દ્વેષસહિત જાણવા. જેમને રાગદ્વેષ છે તેમને મોહ
પણ છે અને જે કામિનીના સંગથી આભૂષણો ધારણ કરે છે તેનો રાગી જાણવા. મોહ
વિના રાગદ્વેષ હોય નહિ. સકળ દોષોનું મૂળ કારણ મોહ છે. જેમને રાગાદિ કલંક છે તે
સંસારી જીવ છે, જેમને એ નથી તે ભગવાન છે. જે દેશ-કાળ-કામાદિનું સેવન કરે છે તે
મનુષ્યતુલ્ય છે, તેમનામાં દેવત્વ નથી, તેમની સેવા મોક્ષનું કારણ નથી. કોઈને પૂર્વપુણ્યના
ઉદયથી શુભ મનોહર ફળ થાય છે તે કુદેવની સેવાનું ફળ નથી. કુદેવની સેવાથી સાંસારિક
સુખ પણ મળતું નથી તો મોક્ષનું સુખ ક્યાંથી મળે? માટે કુદેવનું સેવન રેતી પીલીને તેલ
કાઢવા બરાબર છે અને અગ્નિના સેવનથી તરસ મટાડવા બરાબર છે. જેમ કોઈ લંગડાને
બીજો લંગડો પરદેશ લઈ જઈ શકે નહિ તેમ કુદેવના આરાધનથી પરમપદની પ્રાપ્તિ
કદાપિ ન થાય. ભગવાન સિવાય બીજા દેવોના સેવનનો કલેશ કરે તે વૃથા છે. કુદેવોમાં
દેવત્વ નથી. જે કુદેવોના ભક્ત છે તે પાત્ર નથી. લોભથી પ્રેરાયેલાં પ્રાણીઓ હિંસારૂપ
કાર્યમાં પ્રવર્તે છે, તેમને હિંસાનો ભય નથી, અનેક ઉપાયો કરીને લોકો પાસેથી ધન
મેળવે છે, સંસારી જીવો પણ લોભી છે તેથી લોભી પાસે ઠગાય છે તેથી સર્વદોષરહિત
જિનઆજ્ઞા પ્રમાણે જે મહાદાન કરે તે મહાફળ પામે. વેપાર જેવો ધર્મ છે. કોઈ વાર
વેપારમાં નફો અધિક થાય છે, કોઈ વાર ઓછો થાય છે. કોઈ વાર ખોટ જાય છે. કોઈ
વાર મૂળ મૂડી પણ જતી રહે છે. અલ્પમાંથી ઘણું થઈ જાય અને ઘણામાંથી થોડું થઈ
જાય. જેમ વિષનું કણ સરોવરમાં પડે તો આખા સરોવરને વિષરૂપ કરતું નથી તેમ