સર્વ જીવો પ્રત્ય ક્ષમાભાવ, પ્રભાત, મધ્યાહ્ન અને સાયંકાળ છ છ ઘડી તથા ચાર ચાર
ઘડી અને બબ્બે ઘડી અવશ્ય કરવી, પ્રોષધોપવાસ એટલે બન્ને આઠમ, બન્ને ચૌદસ એક
માસમાં ચાર ઉપવાસ સોળ પહોરના પોષા સહિત કરવા, સોળ પહોર સુધી સંસારના
કાર્યનો ત્યાગ કરવો, આત્મચિંતવન અને જિનભક્તિ કરવી. અતિથિ સંવિભાગ એટલે
પરિગ્રહરહિત મુનિ આહાર નિમિત્તે આવે ત્યારે વિધિપૂર્વક બહુ જ આદરથી યોગ્ય આહાર
આપવો અને આયુષ્ય પૂર્ણ થવા સમયે અનશન વ્રત ધારણ કરી સમાધિમરણ કરવું તે
સલ્લેખનાં વ્રત છે. આ ચાર શિક્ષાવ્રત છે. આ પ્રમાણે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર
શિક્ષાવ્રત એ બાર વ્રત જાણવાં. જે જિનધર્મી છે તેમને મદ્ય, માંસ માખણ, ઉંદુબરાદિ
અયોગ્ય ફળ, રાત્રિભોજન, સડેલું અન્ન, અળગણ પાણી પરસ્ત્રી, દાસી કે વેશ્યાસંગમ
ઇત્યાદિ અયોગ્ય ક્રિયાનો સર્વદા ત્યાગ હોય છે. આ શ્રાવકનો ધર્મ પાળીને સમાધિમરણ
કરી, ઉત્તમ દેવ થઈને પછી ઉત્તમ મનુષ્ય થઈને સિદ્ધપદ પામે છે અને જે શાસ્ત્રોક્ત
આચરણ કરવાને અસમર્થ હોય, ન શ્રાવકના વ્રત પાળે, ન યતિના, પરંતુ જિનવચનની
દ્રઢ શ્રદ્ધા હોય તે પણ નિકટ સંસારી છે, સમ્યક્ત્વના પ્રસાદથી વ્રત ધારણ કરી મોક્ષ પામે
છે. સર્વ લાભમાં શ્રેષ્ઠ એવા સમ્યગ્દર્શનના લાભથી આ જીવ દુર્ગતિના ત્રાસથી છૂટે છે. જે
પ્રાણી ભાવથી શ્રી જિનેન્દ્રદેવને નમસ્કાર કરે છે તે પુણ્યાધિકારી પાપના કલેશથી નિવૃત્ત
થાય છે અને જે પ્રાણી ભાવથી સર્વજ્ઞદેવને સ્મરે છે તે ભવ્ય જીવનાં કરોડો ભવના
ઉપાર્જિત અશુભ કર્મ તત્કાળ ક્ષય પામે છે અને જે મહાભાગ્ય ત્રણ લોકમાં સાર એવા
અરહંત દેવને હૃદયમાં ધારણ કરે છે તે ભવકૂપમાં પડતા નથી. તેને નિરંતર સર્વ ભાવ
પ્રશસ્ત છે, તેને અશુભ સ્વપ્ન આવતાં નથી, શુભ શુકન જ થાય છે. જે ઉત્તમ જન
“અર્હતે નમઃ” એવું વચન ભાવથી બોલે છે તેને શીઘ્ર જ મલિન કર્મનો નાશ થાય છે,
એમાં સંદેહ નથી. મુક્તિયોગ્ય જીવોને પરમ નિર્મળ વીતરાગ જિનચંદ્રની કથારૂપ શ્રવણથી
તેમનાં ચિત્તરૂપ કુમુદ પ્રફુલ્લિત થાય છે. જે વિવેકી અરહંત સિદ્ધ સાધુઓને નમસ્કાર કરે
છે તે સર્વ જિનધર્મીઓને પ્રિય છે. તેને અલ્પ સંસારી જાણવો. જે ઉદારચિત્ત જીવ શ્રી
ભગવાનનાં ચૈત્યાલય બનાવરાવે, જિનબિંબ પધરાવે, જિનપૂજા કરે, જિનભક્તિ કરે તેમને
આ જગતમાં ખરેખર કાંઈ દુર્લભ નથી. રાજા હોય કે ખેડૂત હોય, ધનાઢય હોય કે ગરીબ
હોય, જે મનુષ્ય ધર્મયુક્ત હોય તે સર્વે ત્રણ લોકમાં પૂજ્ય છે. જે નર મહાવિનયવાન છે,
કરવા યોગ્ય અને ન કરવા યોગ્યના વિચારમાં પ્રવીણ છે, તેનો વિવેક કરે છે તે
ગૃહસ્થોમાં મુખ્ય છે. જે જીવ મદ્ય, માંસ આદિ અભક્ષ્યનો સંસર્ગ કરતો નથી તેનું જીવન
સફળ છે. શંકા એટલે જિનવચનોમાં સંદેહ, કાંક્ષા એટલે આ ભવ કે પરભવમાં ભોગની
વાંછા, વિચિકિત્સા એટલે રોગી અથવા દુઃખીને દેખી ધૃણા કરવી, આદર ન કરવો,
જિનધર્મથી પરાઙમુખ મિથ્યાદ્રષ્ટિઓની પ્રશંસા કરવી અને હિંસામાર્ગના સેવનારા નિર્દય
મિથ્યાદ્રષ્ટિની પાસે જઈ તેમની સ્તુતિ કરવી એ પાંચ સમ્યગ્દર્શનના અતિચાર છે. તેમના ત્યાગી
ગૃહસ્થોમાં મુખ્ય છે. જે મન, વચન, કાયાથી શુદ્ધ થઈ, પૃથ્વી ઉપર જોઈને નિર્વિકારપણે