વારંવાર બગાસાં ખાય છે અને અત્યંત અભિલાષા શલ્યથી ચિંતા કરવા લાગ્યો. સ્ત્રીના
ધ્યાનથી ઇન્દ્રિયો વ્યાકુળ બની, મનોજ્ઞ સ્થળ પર અરુચિકર લાગતું, ચિત્ત શૂન્ય બની
ગયું, તેણે સમસ્ત શણગારાદિ ક્રિયા છોડી દીધી. તે ઘડીકમાં આભૂષણો પહેરતો અને
ઘડીકમાં કાઢી નાખતો. તે લજ્જારહિત થયો. જેનાં સમસ્ત અંગ ક્ષીણ થયાં છે એવો તે
વિચારવા લાગ્યો કે એવો સમય ક્યારે આવે કે હું તે સુંદરીને મારી પાસે બેઠેલી જોઉં
અને તેનાં કમળતુલ્ય ગાત્રનો સ્પર્શ કરું. અથવા કામિનીના રસની વાતો કરું. તેની વાત
જ સાંભળતાં મારી આવી દશા થઈ છે કોણ જાણે બીજું શુંય થશે? તે કલ્યાણી જેના
હૃદયમાં વસે છે તેના હૃદયમાં દુઃખરૂપ અગ્નિનો દાહ કેમ થાય? સ્ત્રી તો સ્વભાવથી જ
કોમળ ચિત્તવાળી હોય છે તો મને દુઃખ દેવા માટે તેનું ચિત્ત કઠોર કેમ થયું? આ કામ
દુનિયામાં અનંગ કહેવાય છે, જેને અંગ નથી તે અંગ વિના જ મને શરીરરહિત કરે છે,
મારી નાખે છે તો એને જો અંગ હોય તો કોણ જાણે શુંય કરે? મારા શરીર પર ઘા નથી,
પણ વેદના ઘણી છે. હું એક જગ્યાએ બેઠો છું અને મન અનેક ઠેકાણે ભટકે છે. આ ત્રણ
દિવસ તેને જોયા વિના મને કુશળતા નહિ રહે. માટે એને મળવાનો ઉપાય કરું, જેથી મને
શાંતિ થાય. સર્વ કાર્યોમાં મિત્ર સમાન આનંદનું કારણ જગતમાં બીજું કોઇ નથી, મિત્રથી
સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આમ વિચારીને તેણે પોતાના વિશ્વાસના ભાજનરૂપ પ્રહસ્ત
નામના મિત્રને કહ્યું કે હે મિત્ર! તું મારા મનની બધી વાત જાણે છે. તે શું કહું? પરંતુ
મારી આ દુઃખઅવસ્થા મને બોલાવે છે. હે સખે! તારા વિના આ વાત કોને કહેવાય? તું
આખા જગતની રીત જાણે છે. જેમ કિસાન પોતાનું દુઃખ રાજાને કહે, શિષ્ય ગુરુને કહે,
સ્ત્રી પતિને કહે, રોગી વૈદ્યને કહે અને બાળક માતાને કહે તો દુઃખ છૂટે તેમ બુદ્ધિમાન
પોતાના મિત્રને કહે તેથી હું તને કહું છું. તે રાજા મહેન્દ્રની પુત્રીની વાત સાંભળતાં જ
કામબાણથી મારી વિકળ દશા થઈ છે, તેને જોયા વિના હું ત્રણ દિવસ વિતાવવા સમર્થ
નથી, માટે કોઈ એવો યત્ન કર કે જેથી હું તેને જોઉં, તેને જોયા વિના મને સ્થિરતા નહિ
થાય અને મારી સ્થિરતાથી તને પ્રસન્નતા થશે. પ્રાણીઓને બધાંય કામ કરતાં જીવન
પ્રિય છે, કેમ કે જીવન હોય તો આત્મલાભ થાય છે. પવનંજયે આમ કહ્યું ત્યારે મિત્ર
પ્રહસ્ત હસ્યો, જાણે કે મિત્રના મનનો અભિપ્રાય જાણીને કાર્યસિદ્ધિનો ઉપાય કરવા
લાગ્યો. પ્રહસ્ત તેની પાસે જ બેઠો છે. જાણે તેનું જ શરીર વિક્રિયા કરીને બીજું શરીર
થઈ રહ્યું છે. તેણે કહ્યુંઃ કે મિત્ર! ઘણું કહેવાથી શો લાભ? આપણામાં જુદાઈ નથી. જે
કરવું હોય તેમાં ઢીલ ન કરવી. આ પ્રમાણે તે બન્ને વચ્ચે વાર્તાલાપ થાય છે ત્યાં જ સૂર્ય
જાણે કે તેના ઉપર ઉપકાર કરવા અસ્ત પામ્યો. સૂર્યના વિયોગથી દિશાઓ કાળી પડી
ગઈ, અંધકાર ફેલાઈ ગયો, ક્ષણમાત્રમાં કાળાં વસ્ત્રો પહેરીને નિશા પ્રગટ થઈ. ત્યારે
રાત્રિના સમયે પવનંજયે મિત્રને ઉત્સાહથી કહ્યુંઃ હે મિત્ર! ઉભા થાવ, ચાલો ત્યાં જઈએ,
જ્યાં મનનું હરણ કરનાર પ્રાણવલ્લભા રહે છે. પછી બન્ને મિત્રો વિમાનમાં બેસી
આકાશમાર્ગે ચાલ્યા, જાણે આકાશરૂપ સમુદ્રના મચ્છ જ છે. તેઓ ક્ષણમાત્રમાં અંજનાના